વિદ્યુત શુલ્ક માફીની અરજીઓ ઓનલાઇન મંજૂર કરતા પોર્ટલનું મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં લોન્ચીંગ
ઊદ્યોગકારોને ઓનલાઇન વિદ્યુત શુલ્ક માફી આપનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે
ઓનલાઇન વિદ્યુત શુલ્ક માફીનો રાજ્યવ્યાપી અમલ કરાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં નાગરિકો-વેપાર ઊદ્યોગોને વધુમાં વધુ સેવાઓ ઝડપી-સરળ અને ઓનલાઇન મળી રહે તેવા અભિગમ સાથે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ ક્ષેત્રે વધુ એક પહેલ સાકાર કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યુત શુલ્ક માફીની કામગીરીમાં પારદર્શીતાના ઉદાત ભાવ સાથે ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યુ છે. આ પોર્ટલમાં રાજ્યના ઊદ્યોગ એકમોની વિદ્યુત શુલ્ક માફી અરજીઓ ઓનલાઇન મંજૂર કરવામાં આવશે.
ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે આ નવિન પોર્ટલની વિશેષતાઓ સાથેની સંપૂર્ણ વિગતો આપતાં કહ્યું કે, ઓનલાઇન અરજી મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત તા. ર૧ નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં ઊદ્યોગકારો માટે વિદ્યુત શુલ્ક માફી અરજીઓ માટે ઓનલાઇન સુવિધાનો અમલ કરાશે.
આ પધ્ધતિ અમલી બનતાં રાજ્યના ઊદ્યોગકારોને ઓનલાઇન વિદ્યુત શુલ્ક માફી આપનારૂં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનવાનું છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઓનલાઇન વિદ્યુત શુલ્ક માફી મેળવવા માટે સંબંધિત ઊદ્યોગ એકમોએ ઓનલાઇન પોર્ટલ www.ceiced.gujarat.gov.in પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા સાથે રજીસ્ટ્રેશન અને અરજી સબમીટ કરવાના રહેશે.
આવી અરજીઓની સિસ્ટમ દ્વારા ચકાસણી કરીને નિયત જોગવાઇઓ પરિપૂર્ણ જણાતાં ડિઝીટલ સિગ્નેચર સાથેનું માફી પ્રમાણપત્ર માત્ર એક જ દિવસ એટલે કે ર૪ કલાકમાં જ જનરેટ થશે તથા તેની જાણ E મેઇલ કે SMS દ્વારા સંબંધિત એકમ-અરજદારને થઇ જશે.
અગાઉ કરેલી અરજી પ્રોસેસમાં હોય તેવા ઔદ્યોગિક એકમો પણ ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકશે.
અરજી સાથે મળેલા જરૂરી દસ્તાવેજોનું પણ સ્ક્રીનીંગ કરી, ચકાસણી કરીને જો યોગ્ય હોય તો સંબંધિત વીજ વિતરણ કંપનીને પણ E-Mail દ્વારા માફી પ્રમાણપત્રની જાણ કરવામાં આવશે તેની વિગતો ઊર્જા મંત્રીશ્રીએ આપી હતી.
આના પરિણામે ઊદ્યોગ એકમને ત્વરાએ માફી લાભ મળવો શરૂ થઇ જશે. એટલું જ નહિ, સીસ્ટમ જનરેટેડ બધા જ માફી પ્રમાણપત્રોની ૯૦ દિવસમાં સમીક્ષા પણ કરાશે.
શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે ઓનલાઇન માફીનો લાભ મેળવનારા એકમોનો રિવ્યૂ કરવામાં આવશે. એટલું જ નહિ, ખોટી માહિતી કે દસ્તાવેજોના આધારે જો લાભ મેળવ્યો હશે તો વાર્ષિક ૧૮ ટકા વ્યાજ વસુલવા સાથે આવો જે લાભ મેળવ્યો હશે તે રદ કરવાની જોગવાઇ પણ રાખવામાં આવી છે.
જો ઔદ્યોગિક એકમો દ્વારા પોર્ટલ પર કરાયેલી અરજીની નિયત જોગવાઇઓ પરિપૂર્ણ નહિ થતી હોય તો અધૂરી વિગત વાળી આવી અરજી અંગે પણ ઊદ્યોગ એકમ-અરજદારને Email / SMS થી જાણ કરાશે અને ખૂટતી માહિતીની પૂર્તતા માટે અરજીઓ Email થી પરત મોકલવામાં આવશે.
શ્રી સૌરભભાઇ પટેલે ઉમેર્યુ કે સમગ્ર રાજ્યમાંથી દર વર્ષે વીજ કર માફી માટેની અંદાજે ૩ હજાર જેટલી અરજીઓ આવે છે. વાર્ષિક ધોરણે આશરે ૯૦૦૦ મિલીયન યુનિટ પર વીજ કર માફીનો લાભ રાજ્ય સરકાર આપે છે જે દ્વારા ઊદ્યોગોને દર વર્ષે લગભગ ૯૦૦ કરોડ રૂપિયાનો લાભ મળે છે.
પ્રવર્તમાન કાર્યપધ્ધતિમાં દસ્તાવેજોની ભૌતિક આપ-લે માં દરેક અરજીના નિકાલમાં અંદાજે ૬ માસથી વધુ સમય થાય છે અને ફોલોઅપ માટે સંબંધિત અરજદારે ગાંધીનગર આવવું પડે છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પારદર્શી, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સુશાસનની પરિપાટી રૂપ અભિગમથી રાજ્ય સરકારે આ પોર્ટલ વિકસાવતાં હવે, ઊદ્યોગ એકમોને સરળતાએ, ઝડપી અને ઇ-મેઇલ દ્વારા જ માફી પ્રમાણપત્ર મળી જશે તેવો વિશ્વાસ પણ ઊર્જા મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
તેમણે વધુમાં એમ પણ કહ્યું કે રાજ્યમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ તહેત હાલ ઇ-રીર્ટન અને ઇ-પેમેન્ટ મોડયુલ કાર્યરત છે. તપાસણી કામગીરી પણ ઓનલાઇન કરીને વીજ સ્થાપનાનો નકશા તેમજ વીજ સ્થાપન ચાલુ કરવાની મંજૂરી આવી જ રીતે ઓનલાઇન અપાય છે. ડી.જી. સેટ રજિસ્ટ્રેશન મોડયુલ પણ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ હેઠળ કાર્યરત છે.
રાજ્યના મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને વિદ્યુત શુલ્ક સમાહર્તાની બધી કામગીરીઓ તા.૩૧ માર્ચ-ર૦ર૦ સુધીમાં ઓનલાઇન મોડયુલમાં કરવાનું આયોજન પણ છે.
વિદ્યુત શુલ્ક માફી ઓનલાઇન અરજી માટેના આ પોર્ટલ લોન્ચીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઊર્જા અગ્ર સચિવ શ્રી પંકજ જોષી તેમજ ચીફ ઇલેટ્રીકલ ઇન્સ્પેકટર અને ઊર્જા વિભાગના અધિકારીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.