વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી જન્માષ્ટમીની ઉજવણી કરાઇ
ભુજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ૩૨ વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી કરાઇ હતી.
કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચનાં મંત્રી તથા બેટી સુરક્ષાદળનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મુક્તા ગૌરી ચેરિટેબલ ટ્રસ્ટ-ગાંધીનગર ગુજરાતના ટ્રસ્ટી શ્રી આશિકાબેન ભટ્ટે જયારે અતિથિવિશેષપદ ડો. પ્રતિક્ષાબેન પવાર, હેતલબેન સિંઘ, અનીતાબેન ઠાકુર, કલ્પનાબેન ચોથાણી, હાફિઝાબેન સમાએ શોભાવ્યું હતું.
પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે સૌને મીઠો આવકાર આપતાં જણાવ્યું હતું કે, વિધવા અને છૂટાછેડા થયેલા બહેનોે ઘેર બેસી સિવણ મશીન દ્વારા સીલાઇનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેમજ સમાજમાં સ્વમાન સાથે ગૌરવભેર જીવન જીવી શકે તેવા ઉદ્ેશ અને દાતાશ્રીની અંતરની ભાવનાઓથી આ સિવણ મશીન મહિલાઓને અર્પણ કરાયા છે.
સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા મંત્રી સુરેશભાઇ માહેશ્વરીએ એક સદ્ગૃહસ્થ દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી મહિલાઓને પગભર થવા જણાવ્યું હતું.
૨૮ વિધવા બહેનો તથા ૪ છૂટાછેડા લીધેલા બહેનોને દાતાશ્રી પરિવારનાં નનીતાબેન કેરાઇ તથા મંજુબેન કેરાઇનાં હસ્તે સિલાઇ મશીનો અર્પણ કરાયા હતા. દાતા પરિવારનાં બંને બહેનોનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ.
આશિકાબેન ભટ્ટે સંસ્થાની પ્રવૃત્તિઓ તથા ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. દરેક સમાજની વિધવા તથા છૂટાછેડા લીધેલ બેનોને પગભર કરવાનાં કાર્યને અદ્ભૂત કાર્ય ગણાવ્યું હતું.
સિલાઇ મશીન લાભાર્થી બહેનોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમને સીલાઇ મશીન તથા રાશનકીટ મળી છે. અમે ઘેર બેસી સીલાઇ કામ કરી અમારૂં ગુજરાન ચલાવી શકશું.
કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે જયારે આભારદર્શન શંભુભાઇ જાેષીએ કરેલ. વ્યવસ્થામાં રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, મુળજીભાઇ ઠક્કર, જેરામ સુતાર, દિપક જાની, ભુપેન્દ્ર બાબરીયા, નરશીં પટેલ, વિનોદ પટેલ તથા સર્વે કાર્યકરોએ સહકાર આપ્યો હતો.