Western Times News

Gujarati News

વિધવા મહિલાને વળતરની લાલચ આપી મામલતદાર ૪૨ લાખ ચાંઉ કરી ગયા ?

પ્રતિકાત્મક

કઠલાલના મામલતદાર ધર્મેન્દ્ર પૂનમચંદ પટેલ મહિલાના મિત્ર હોવાથી દુષપ્રેરણા આપનાર સામે પગલાં લેવા મદદ કરી હતી

અમદાવાદ,  વિધવા મહિલાને ધંધામાં રોકાણ કરવાથી ફિક્સ વળતર મળશે તેમ કહી મામલતદાર ૪૨ લાખ રૂપિયા ચાંઉ કરી ગયા છે. મહિલાએ પૈસા પરત માગતા મામલતદારે ધમકી આપી હતી. જેથી આ મામલે વિધવા મહિલાએ નિકોલ પોલીસ મથકમાં મામલતદાર સામે અરજી આપતા પોલીસે તપાસ આદરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં રેખાબહેન (ઓળખ છૂપાવા નામ બદલ્યું છે) પોતાની દીકરી સાથે રહે છે. રેખાબહેનના પતિએ થોડા વર્ષાે પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કઠલાલના મામલતદાર ધર્મેન્દ્ર પૂનમચંદ પટેલ મહિલાના મિત્ર હોવાથી દુષપ્રેરણા આપનાર સામે પગલાં લેવા મદદ કરી હતી. તેમની વચ્ચે પારિવારિક સંબંધ હતો. આ દરમિયાન વર્ષ ૨૦૧૯માં રેખાબહેન અમદાવાદ શિફ્ટ થઇ ગયા હતા.

૨૦૨૦માં ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણા પારિવારીક સંબંધ મજબૂત બને તે માટે મારા પુત્ર હારિત પટેલનો સંબંધ તમારી દીકરી સાથે થાય તે મને બહુ ગમશે. જો કે, તે વખતે દીકરી સગીર હોવાથી રેખાબહેને મોટા થયા બાદ બન્ને નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ ૨૦૨૦થી ૨૦૨૨ સુધી હારિતે રેખાબહેનની પુત્રી સાથે મિત્રતા રાખી હતી

પરંતુ અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું કહી સંબંધ તોડી નાંખ્યો હતો. બીજી તરફ ૨૦૨૦માં ધર્મેન્દ્ર પટેલે કાફે શરૂ કરવાથી બહુ સારો નફો મળશે અને ૨ ટકા વળતરની ખાતરી તેમ કહી ૪૨ લાખ રૂપિયા મેળવી લીધા હતા. જેમાં ૮ લાખ રેખાબહેને આરટીજીએસ કર્યા હતા. જ્યારે બાકીના પૈસા રોકડા આપ્યા હતા. પછી બીજી જગ્યાએ પણ રોકાણ કરાવ્યું હતું.

ઉપરાંત અમૂક સમય માટે દર મહિને ૫૪ હજાર રૂપિયા આપ્યા હતા. પરંતુ ત્યારબાદ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. રેખાબહેને પૈસા માગતા મામલતદાર કક્ષાનો અધિકારી છું તમે મારું કંઇ નહીં બગાડી શકો તેવી ધમકી આપી હતી. જેથી રેખાબહેને આ મામલે નિકોલ પોલીસ મથકમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવા અરજી કરતા પોલીસે તપાસ આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.