વિધવા સહાય દ્વારા ૮૫ વર્ષીય લક્ષ્મીબેન બામચાનો સહારો બનતી રાજ્ય સરકાર
પરિવાર પાસે હવે પૈસા મંગાવવાની મારે જરૂર નથી, વિધવા સહાયની રકમથી મારો ખર્ચ જાતે ઉપાડી શકીશ: પાટણના ગંગાસ્વરૂપ મહિલા લક્ષ્મીબેન બામચા સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર
પાટણ: વર્ષો પહેલા પોતાનું સ્વજન ગુમાવનાર પાટણના લક્ષ્મીબેન બામચાના મુખ પર રહેલી ચિંતાની રેખાઓ દૂર થઈ છે. ૮૫ વર્ષની જૈફ વયે પહોંચેલા લક્ષ્મીબેને સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાયનો હુકમ મળતાં રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન કહે છે કે, અમદાવાદ રહેતા મારા દિકરા ઘર ખર્ચના પૈસા મોકલે છે, પણ હવે મારે પરિવાર પાસેથી પૈસા માંગવાની જરૂર નથી રહી. સેવા સેતુ કાર્યક્રમમાં મને વિધવા સહાયનો હુકમ મળ્યો છે. દર મહિને આર્થિક સહાય આપી મારા ઘડપણનો સહારો બનવા બદલ રાજ્ય સરકારનો આભાર માનું છું.
પાટણના બામચાવાસમાં રહેતા ૮૫ વર્ષિય લક્ષ્મીબેન બામચાનો પરિવાર ધંધાર્થે અમદાવાદમાં વસે છે. લક્ષ્મીબેનને ઘર ચલાવવા નબળી આર્થિક પરિસ્થિતી ધરાવતો પરિવાર થોડા-ઘણા પૈસા પણ મોકલી આપે. દિકરા પૈસા મોકલી આપે ત્યારે ઘર ચલાવવાની સ્થિતીમાં ઓશિયાળાપણું અનુભવતા આ વિધવા મહિલાના મુખ પર રહેલી ચિંતાની રેખાઓ વિધવા સહાયનો હુકમ મળતાં દૂર થઈ છે. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિધવા સહાય અંતર્ગત મળતી આર્થિક સહાય થકી રાજ્ય સરકાર ગંગા સ્વરૂપ લક્ષ્મીબેનનો સહારો બની છે.
પાટણ નગરપાલિકા વિસ્તારમાં તારાબેન પ્રાથમિક કન્યા શાળા ખાતે અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોને સરકારશ્રીની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે વિશેષ સેવા સેતુ કાર્યક્રમનું પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધવા સહાય અને વૃદ્ધ સહાયના ૨૫ જેટલા હુકમોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.