વિધાનસભાના ચાલુ સત્રમાં મહેસૂલમંત્રી કૌશિક પટેલની તબિયત બગડી
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસૂલમંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસસ્થાન ખાતે ગયા હતા. અત્યારસુધીમા એક મંત્રી સહિત કુલ ૧૮૦માંથી ૧૨ ધારાસભ્યો માત્ર ૩૦ દિવસમાં જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટીન પૂરો કરીને ગૃહમાં આવ્યા છે.
બે વર્ષ પહેલાં મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતાં તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. અગાઉ ૬ ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા હતા, જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે. હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે, જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.