વિધાનસભામાં જુદા જુદા વિષયો ઉપર માહિતી અપાઈ
અમદાવાદ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન જુદા જુદા વિષયો પર પૂછાયેલા પ્રશ્નો બાદ સંબંધિત વિભાગોના મંત્રીઓ દ્વારા પુરતી માહિતી આપવામાં આવી છે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી નીચે મુજબ છે.
ભરુચ જિલ્લામાં કેળ પાકના વાવેતર માટે ૩.૧૮ કરોડ ચુકવાયા
ભરૂચ જિલ્લામાં કેળ પાકના વાવેતરમાં સહાય માટે મળેલી અરજીઓ સંદર્ભે વિધાનસભાગૃહમાં પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતા કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું છે કે ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં કેળ પાકના વાવેતરમાં સહાય માટે ૨૬૦૬ અરજીઓ મળી છે જે પૈકી ૧૧૭૧ અરજીઓ મંજૂર કરી કુલ ૩,૧૮,૭૭,૬૯૭ની સહાય ચૂકવવામાં આવી છે.
રમત-ગમતના પ્રોત્સાહન માટે ૩૧૦ લાખની જોગવાઈ
રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સ્પોટ્ર્સ ફોર ઓલ યોજના અંતર્ગત ૩૧૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્યકક્ષાએ રમત-ગમતના મેદાનો અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના યુવાનોને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી જેને પરિણામે સરિતા ગાયકવાડ સહિત અનેક ખેલાડીઓ ગ્રામકક્ષાએથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા છે. મંત્રીએ જણાવ્યું કે વર્ષ-૧૯૯૦ સુધી આ વિભાગમાં માત્ર ૮.૯૨ કરોડની જોગવાઈ હતી જે વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં ૫૬૯ કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ જણાવ્યું કે ખેલકૂદને પ્રોત્સાહિત કરવા રાજ્યના ૨૧ જિલ્લાઓમાં રમત-ગમતના મેદાનો છે. ઉપરાંત બાસ્કેટબોલ સહિતની રમતો માટે ૫૦૦ ગામડાઓમાં રમતગમત સંકુલ ઊભા કરવામાં આવનાર છે. મંત્રીએ જણાવ્યું કે તબક્કાવાર રાજ્યના ગ્રામ્ય ક્ષેત્રો સુધી રમત-ગમતના મેદાનો બનાવવામાં આવશે.
પામ યોજના હેઠળ પંચમહાલ જિલ્લામાં ૧૫ શિબિરો સંપન્ન
પંચમહાલ જિલ્લામાં ખેડૂત તાલીમ શિબિરો અંગેના વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે કહ્યું કે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન ઓઇલ સીડ એન્ડ ઓઇલ પામ યોજના હેઠળ ૧૫ તાલીમ શિબિરો યોજીને ૪૫૦ ખેડૂતોને તાલીમ બદ્ધ કરાયા છે જે માટે ૩,૫૯,૬૦૦નો ખર્ચ કરાયો છે. પરમારે ઉમેર્યું કે આ યોજના હેઠળ યોજાતી તાલીમ શિબિરોમાં તેલીબિયા પાક માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
તોલમાપ મામલે મહેસાણાના ૭૯૬ વ્યાપારી એકમો સામે કાર્યવાહી
મહેસાણા જિલ્લામાં તોલમાપ તંત્ર દ્વારા વ્યાપારી એકમો સામે કાર્યવાહી સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં મહેસાણા જિલ્લામાં તોલમાપ એકમો સામે તોલમાપના સાધનો સમય મર્યાદામાં ખરાઈ ન કરાવનાર ૭૯૬ વ્યાપારી એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તે અન્વયે કસૂરવારો સામે ગુજરાત કાનૂની માપ વિજ્ઞાન નિયમો અંતર્ગત ગુના માંડવાળ ફી પેટે કુલ ૫,૭૨,૧૦૦ વસૂલ કરવામાં આવ્યા છે.
મનરેગાની રકમ સીધી જ ફંડ ટ્રાન્સફરથી અપાય છે
મનરેગા યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએથી કોઈપણ પ્રકારની રકમ જિલ્લાવાર ફાળવવામાં આવતી નથી પરંતુ સીધી જ ફંડ ટ્રાન્સફર ઓર્ડરથી જ જમા થાય છે તેમ ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બચુ ખાબડ જણાવ્યું હતું. મનરેગા યોજના અંતર્ગત ઉપસ્થિત પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે તારીખ ૩૧-૧૨-૧૯ બે અંતિત વર્ષમાં ભારત સરકાર પાસેથી ૧૯૩૩૮૬ લાખ રકમ ગુજરાત સરકારને મળી છે. આ પૈકી અમદાવાદ જિલ્લાને ૨૫૨૨.૬૬ લાખ, ભરૂચ જિલ્લાને રૂપિયા ૧૬૩૮.૫૮ લાખ, અમરેલી જિલ્લાને ૨૭૯૬.૪૩ લાખ અને ગીર-સોમનાથ જિલ્લાને રૂપિયા ૧૫૯૪.૫૦ લાખ ફંડ સીધુ જ ફંડ ટ્રાન્સફર ઓર્ડરથી જમા થયેલ છે. મનરેગા અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ૧૦,૭૨,૯૧૮, ભરૂચ જિલ્લામાં ૫,૯૦,૪૨૫ અમરેલી જિલ્લામાં ૧૪,૬૧,૭૧૧ અને ગીર-સોમનાથ જિલ્લામાં ૬,૮૫,૮૫૬ માનવદિન રોજગારી ઉભી કરવામાં આવી છે.
અનાજ સંગ્રહના ગોડાઉન માટે ૮ અરજીઓ મંજૂર
ખેડૂતોને ખાતામાં કૃષિ પેદાશોના યોગ્ય ભાવ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ની સ્થિતિએ સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને અનાજ સંગ્રહના ગોડાઉન બનાવવા માટે કુલ-૧૦ અરજીઓ આવી હતી તેમાંથી ૮ અરજીઓ મંજૂર કરીને કુલ રૂપિયા ૧૨,૯૯,૧૨૫નો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અનાજ સંગ્રહના ગોડાઉન અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે તારીખ ૧લી ફેબ્રુઆરી ૨૦૧૮થી તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિએ અનાજ સંગ્રહ માટે તલોદ તાલુકામા ૧, વડાલી તાલુકામાં ૧ અને ખેડબ્રહ્મામાં ૨ અરજીઓ આવી હતી.