અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોએ યોગ સાધના કરી
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પાંચમા વિશ્વ યોગ દિવસે શહેર-જિલ્લામાં યોગ સાધનાનું નેતૃત્વ કર્યું
વડોદરા: વડોદરાને પાંચમા વિશ્વ યોગ દિવસે અનોખું ગૌરવ મળ્યું છે. આજે ભારત સરકારના આયુષ મંત્રાલયે યોગ પરંપરાને વ્યક્તિગત પ્રોત્સાહક યોગદાન માટે પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર માટે શ્રી રાજર્ષિ મુનિની પસંદગી કરી છે. અગાઉ ઉચ્ચ સનદી અધિકારી રહી ચૂકેલા આ પરમ યોગી સાધક કાયાવરોહણ તીર્થ સ્થિત લકુલીશ યોગ દ્યાપીઠના સંવર્ધક છે અને લાઇફ મિશનના માધ્યમથી યોગ સંસ્કૃત્તિને વિસ્તારી રહ્યા છે.
ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેના પ્રાંગણમાં યોગ સાધના સત્ર યોજાયુ હતુ. તો ઇસ્કોન મંદિર અને અટલાદરા બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોએ યોગ સાધના કરી હતી.
આજે વિશ્વના ૧૧૭ દેશો સાથે વડોદરા શહેર-જિલ્લાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વહેલી સવારે યોગ સાધના કરી હતી. સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે તેમની સાથે યોગ સાધનામાં વીએમસીના મેયર ડા. જિગીષાબેન શેઠ, સ્થાયી અધ્યક્ષ સતિષ પટેલ સહિત પદાધિકારીઓ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, સીમાબેન મોહિલે, મ્યુનિસિપલ પદાધિકારીઓ, નગરસેવકો, મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ, કાર્યકારી જિલ્લા કલેકટરશ્રી કિરણ ઝવેરી, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સહિત ઉચ્ચાધિકારીઓ, એસએજીના રમતવીરો, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.
આપણા પ્રધાનમંત્રી યોગી છે એ સહુ માટે ખૂબ મોટા ગૌરવની વાત છે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, તેમની નિષ્ઠાથી આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવે છે. તેમણે જણાવ્યું કે ભારતીય યોગ પરંપરાનો વિશ્વની સહુથી મોટી વૈજ્ઞાનિક શોધમાં સમાવેશ થઇ શકે. પોતે નિયમિત યોગ કરે છે એવી જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, યોગ શરીરના તમામ અવયવોને પ્રાણવાયુ અને આત્માને ચેતના આપે છે એટલે શરીરને અનુકૂળ હોય તેવી યોગ સાધના નિયમિત કરવી જ જોઇએ. યોગ તંદુરસ્તી, શાંતિ અને એકાગ્રતા આપે છે. જ્યાં સુધી જગતનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ભારતીય યોગ પરંપરા નીત નવીનતા સાથે જીવંત રહેશે.
જિલ્લા રમતગમત અધિકારીશ્રી કેતુલ મહેરીયાએ જણાવ્યું હતુ કે, શહેર-જિલ્લામાં ૧૮૦૦થી વધુ સ્થળોએ યોગાભ્યાસ યોજીને, તમામના સહયોગથી ૯ લાખથી વધુ લોકોને યોગ સાધનામાં જોડવાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.
ઝારખંડના રાંચી ખાતે પ્રધાનમંત્રીશ્રીએ યોગ સાધના કરતા, ગરીબો-આદિવાસીઓ સુધી યોગને પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગરીબો-આદિવાસીઓની તંદુરસ્તીની યોગ દ્વારા કાળજી લઈને તેમને ગરીબીથી મુક્ત રાખી શકાશે.