વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી યુએન મહેતામાં ખસેડાયા છે. હાર્ટ ઈશ્યુને કારણે યુએન મહેતામાં ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
કોરોનાકાળમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એક ધારાસભ્ય તરીકે પોતાના મતવિસ્તારની કામગીરી અંગે પણ રિપોર્ટ રાખી રહ્યા છે. વડોદરા ખાતે હાલમાં કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા બેઠક મળી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે કેટલાક ર્નિણય લેવામાં આવ્યાં.
જે અંતર્ગત વડોદરા શહેરમાં ધન્વંતરી રથ દ્વારા સમગ્ર શહેરમાં ૨૦૦ ટીમો દ્વારા વિવિધ ઝોન વોર્ડમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક દીઠ બે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે અને નાગરિકોના એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. વડોદરા શહેરમાં જે નાગરિકોને કોરોનાના સામાન્ય લક્ષણો અથવા શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તેવા દર્દીઓને શહેરના ચાર અતિથિગૃહમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરી વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે.