વિધાનસભા ચૂંટણીઓની રેલીઓ પર ઈલેકશન કમિશને 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી, આગામી વિધાનસભા ચૂંટણી માટે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. સોમવારે મળેલી કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે, પરંતુ ઘણા નિયંત્રણો હળવા કર્યા આવ્યા છે.
જણાવી દઇએ કે, પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી ફિજિકલ રેલીઓ પર પ્રતિબંધ હાલ પૂરતો ચાલુ રહેશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ખુલ્લી જગ્યાએ આયોજિત બેઠકમાં 1000 લોકો ભાગ લઈ શક્શે.
આ સિવાય 500 લોકો ઇન્ડોર મીટિંગમાં ભાગ લઈ શક્શે. આ સાથે જ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચારની ઝુંબેશ પણ હળવી કરવામાં આવી છે. હવે 20 લોકો વોટરના ઘરે જઈને પ્રચાર કરી શકશે.
એક નિવેદનમાં કમિશને કહ્યું કે ડોર-ટુ-ડોર અભિયાનમાં સુરક્ષા કર્મચારીઓને બાદ કરતાં હવે 10 લોકોની જગ્યાએ 20 લોકો ભાગ લઈ શકશે. જ્યારે ઇન્ડોર મીટિંગ માટે લોકોની ક્ષમતા પણ 300 થી વધારીને 500 કરવામાં આવી છે. પ્રમોશનલ હેતુઓ માટે વીડિયો વાનને COVID-19 પ્રતિબંધો સાથે નિયુક્ત ખુલ્લી જગ્યાઓ પર પણ પરવાનગી આપવામાં આવી છે.
ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે 15 જાન્યુઆરી સુધી રેલીઓ, રોડ શો અને બાઇક રેલીઓ અને અન્ય આવા પ્રચાર કાર્યક્રમો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. 15 જાન્યુઆરીએ કમિશને આ પ્રતિબંધોને 22 જાન્યુઆરી સુધી અને પછી 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો.