વિધાનસભા સત્ર પહેલા રાહુલ-પ્રિયંકાને મળ્યા પાયલટ
નવી દિલ્હી, રાજસ્થાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકિય ઉથલ પાથલ થઇ રહી છે. સચિન પાયલટની આગેવાનીમાં કોંગ્રેસના જ એક જૂથ દ્વારા બળવો કરતા રાજકિય સંકટ ઉભુ થયું છે. આગામી 14 તારીખથી રાજસ્થાન વિધાનસભાનું સત્ર શરુ થવાનું છે. તે પહેલા ફરી એક વખત રાજકિય હલચલ તેજ બની છે. સોમવારે સચિન પાયલટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી સચિન પાયલટ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી અટકળો વહેતી થઇ છે. આ ત્રણે નેતાઓ વચ્ચે થયેલી વાતચીત સકારાત્મક રહી હોવાનું જાણવા મળ્યું છે. એવા સંકેત મળી રહ્યા છે કે રાહુલ અને પ્રિયંકા સચિન પાયલટને મનાવવામાં સફળ રહ્યા છે.
આ મુલાકાત બાદ એવા સંકેત પણ મળી રહ્યા છે કે હવે રાજસ્થાનમાં ચાલતું રાજકિય સંકટ પુરુ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સચિન પાયલટને રાહુલ ગાંધીની નજીકના નેતા ગણવામાં આવે છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત પ્રિયંકા ગાંધીના કારણે શક્ય બની છે. આ પહેલા પણ જ્યારે સચિન પાયલટે બળવો કર્યો ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમનો સંપર્ક કર્યો હતો. ત્યારે પણ પ્રિયંકા અને સચિનની મુલાકાત થઇ હતી, પરંતુ ત્યારે કોઇ નિષ્કર્ષ આવ્યો નહોતો.