વિપક્ષના હંગામા વચ્ચે ચૂંટણી સુધારા બિલ રાજ્યસભામાં પણ પાસ

નવી દિલ્હી, વિપક્ષના હંગામા વચ્ચે મંગળવારે રાજ્યસભામાં પણ ચૂંટણી સુધારા બિલ 2021 પાસ થઈ ગયું છે. અગાઉ આ બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે. કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ ઈલેક્શન લો (અમેન્ડમેન્ટ) બિલ, 2021ને ચર્ચા અને પાસ કરવા માટે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલમાં આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાની વાત કરવામાં આવી છે. જોકે વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યું છે.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે લોકસભામાં બાળ વિવાહ નિષેધ (સંશોધન) બિલ, 2021 રજૂ કર્યું હતું. આ બિલમાં યુવતીઓની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવા માટેની જોગવાઈ છે. જોકે વિપક્ષના ભારે હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી બુધવારે સવારના 11:00 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.
સંસદના શીતકાલીન સત્રની સમાપ્તિને હવે થોડા દિવસો જ બચ્યા છે તેવામાં કેન્દ્રની મોદી સરકાર બાકી રહેલા બિલને શક્ય તેટલી ઝડપથી પાસ કરાવવા ઈચ્છે છે. આ તરફ રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષના અનેક નેતાઓએ આજે સંસદથી લઈને વિજય ચોક સુધી માર્ચ યોજી હતી.