વિપક્ષની સલાહ માની હોત તો સ્થિતિ ખરાબ ન થાત
વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિીન આપી શકાય તે માટે વેક્સિનનું ઉત્પાદન વધારવાની સરકાર સમક્ષ માગ કરાઈ
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ ડરાવી રહ્યા છે. દેશમાં કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને જાેતાં વિપક્ષે ફરી એક વાર કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. કાૅંગ્રેસ સહિત ૧૨ રાજકીય પાર્ટીઓના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સંયુક્ત પત્ર લખ્યો છે કે મોદી સરકારે સમયસર વિપક્ષના સૂચનો માન્યા હોત તો આજે દેશમાં કોરોનાની આટલી ખરાબ સ્થિતિ ન હોત. પત્રના માધ્યમથી તેઓએ સરકાર પર બેદરકારી રાખવાનો પણ આરોપ લગાવ્યો છે. તેની સાથે જ સરકારને માંગ કરી છે કે વેક્સીનનું ઉત્પાદન વધારવામાં આવે
જેનાથી વધુમાં વધુ લોકોને કોરોના વેક્સીન આપી શકાય. આ નેતાઓએ વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે, સરકાર બજેટમાં નિર્ધારિત કરવામાં આવેલા ૩૫ હજાર કરોડ રૂપિયાને તાત્કાલિક સ્વાસ્ય્ક સેવાઓમાં લગાવે, જેનાથી આ મહામારીથી લોકોને બચાવી શકાય.
વિપક્ષના નેતાઓએ માંગ કરી છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને તાત્કાલિક રોકવામાં આવે અને તેના માટે જેટલા પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેને ઓક્સિજન અને વેક્સીન ખરીદવા પર ખર્ચ કરવામાં આવે. તેની સાથે જ પીએમ કેર્સ ફંડના નાણાને પણ ઓક્સિજન, દવા અને મેડિકલ ઉપકરણ ખરીદવામાં લગાવવાની માંગ કરવામાં આવી છે. વિપક્ષી દળોએ કહ્યું છે કે મહામારીની માર સહન કરી રહેલા બેરોજગારોને ૬ હજાર રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવે અને કેન્દ્રીય ગોડાઉનોમાં પડેલા અનાજનો જરૂરિયાત ધરાવતા લોકોને મફતમાં આપવામાં આવે. તેની સાથે જ દિલ્હી બોર્ડર પર બેઠેલા ખેડૂતોને કોરોનાથી બચાવવા માટે કૃષિ કાયદાઓને વહેલી તકે રદ કરી દેવામાં આવે.
પત્ર લખનાર નેતાઓમાં કાૅંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ નેતા દેવેગૌડા, એનસીપી પ્રમુદ શરદ પવાર, શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ટીએમસી સુપ્રિમો અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, જેએમએમ નેતા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, જેકેપીએ નેતા ફારૂખ અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના નેતા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, સીપીઆઇના નેતા ડી. રાજા અને સીપીઆઇએમ નેતા સીતારામ યેચુરી સામેલ છે.