વિપક્ષને કાશ્મીર જવું હોય તો વ્યવસ્થા કરી આપીશ : મોદી
જ્યારે પણ ઈતિહાસમાં અનુચ્છેદ ૩૭૦ની ચર્ચા કરવામાં આવશે ત્યારે તેને હટાવવાનો વિરોધ અને મજાક બનાવનારાઓનું નામ પણ ચર્ચામાં આવશે |
બીડ : મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓમાં પોતાની જીત પાકી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલીઓ કરી રહ્યા છે. પીએમ મોદીએ ગુરુવારે મહારાષ્ટ્રના બીડના પરલીમાં એક ચૂંટણી રેલી કરી હતી. રેલી દરમિયાન પીએમ મોદીએ કાંગ્રેસ અને એનસીપીને આડેહાથ લીધા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, કાંગ્રેસ અને એનસીપીથી યુવાઓનો મોહભંગ થઈ ગયો છે. યુવાઓ આ બંને પાર્ટીઓનો સાથ છોડી રહ્યા છે.
પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, ‘જો તમારે કાશ્મીર જવું છે તો મને કહો, હું વ્યવસ્થા કરી આપીશ.’
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કાંગ્રેસના એક નેતાએ કહ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી દેવાનો નિર્ણય દેશને બરબાદ કરી નાખશે. ત્રણ મહિના થઈ ગયા છે, શું દેશ બરબાદ થઈ ગયો છે? પીએમ મોદીએ કહ્યુ કે વધુ એક કોંગ્રેસી નેતાએ કહ્યુ કે, આર્ટિકલ ૩૭૦ હટાવીને આપણે કાશ્મીરને ગુમાવી દીધું છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, “કાશ્મીર જઈને જુઓ, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જો વિપક્ષના નેતા કાશ્મીર જવા માંગે છે તો મને કહે, હું વ્યવસ્થા કરી આપીશ.” પીએમ મોદીએ કહ્યુ કે, “વિરોધી પક્ષોના નેતાઓને ચિંતા થઈ રહી છે કે ભાજપના કાર્યકરો આટલી મહેનત શા માટે કરી રહ્યા છે?
હું આજે બીડથી એ લોકોને કહી દઉં કે, ભાજપા પાસે લગનથી કામ કરતા કાર્યકરો છે. આ માટે જ તેઓ લોકોનાં દીલ જીતે છે અને પક્ષોને જીતાડે છે. કાંગ્રેસના મોટાભાગના નેતાઓ આજકાલ અંદરો અંદર લડવામાં વ્યસ્ત છે. તેમના પક્ષમાં જે યુવા નેતાઓ હતા તેઓ પણ પક્ષને છોડી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ આજકાલ હતાશ અને નિરાશ છે.”
મોદીએ ભાષણની શરૂઆત મરાઠી ભાષાથી કરી હતી. તેમણે કહ્યું કે, આજે એક સાથે મને બે ભગવાનના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. પહેલા બાબા બૈજનાથના ચરણોમાં ગયો અને હવે જનતા એ પણ ઈશ્વરનું રૂપ જ હોય છે.
‘ભાજપ કાર્યકર્તા દિવસ-રાત મહેનત કરે છે.
કોંગ્રેસે પોતાની ચિંતા કરવી જોઈએ. કાર્યકર્તા અને નેતાઓ તમને છોડીને ભાગી રહ્યા છે. કોંગ્રેસના મોટાભાગના નેતા એકબીજા સાથે ઝઘડવામાં વ્યસ્ત છે. તમારી પાસે જે યુવાનો હતો તે પણ જઈ રહ્યા છે અને વૃદ્ધ માથે હાથ મૂકીને રડી રહ્યાં છે’ વડાપ્રધાને કહ્યું કે, ‘એક તરફ વિભાજીત કુળોનો જમાવડો છે તો બીજી બાજુ તમારી સેવામાં યુવા અને કર્મશીલ ભાજપની ટીમ છે. શું થાકેલા અને હારેલા લોકો તમારું ભલું કરી શકે છે?
જો ના તો પછી આવા લોકોની શું જરૂર છે? તો પછી આવી પાર્ટી અને આવા લોકો પર તમારો વોટ બરબાદ કરવાનો કોઈ અર્થ નથી’ ‘એક તરફ અમારી કાર્યશક્તિ અને બીજી બાજુ તેમની સ્વાર્થ શક્તિ છે. લોકો કાર્યને પસંદ કરે છે અને સ્વાર્થને નફરત કરે છે. આવા કારનામા એવા જ છે, જેનાથી ભારતનું ખરાબ ઈચ્છતા લોકોને ઓક્સિજન મળે છે. જયારે અનુચ્છેદ ૩૭૦ હટાવવાનો નિર્ણય લેવાયો, ત્યારે આમનો સ્વાર્થ પાછો જાગી ગયો હતો ’
મોદીએ કહ્યું કે, ‘જ્યારે પણ ઈતિહાસમાં અનુચ્છેદ ૩૭૦ની ચર્ચા કરવામાં આવશે, ત્યારે તેને હટાવવાનો વિરોધ અને મજાક બનાવનારાઓનું નામ પણ ચર્ચામાં આવશે. તેમના નિવેદનો પણ સાંભળો. એક નેતાએ કહ્યું કે, ૩૭૦ હટાવવાનો અર્થ કોઈની હત્યા કરવા સમાન છે. એકે કહ્યું કે, ૩૭૦ હટાવવાનો અર્થ ઈતિહાસનો સૌથી કાળો દિવસ. આ નિર્ણયથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાશે. અમે રાજકારણ માટે નહીં પણ દેશની નીતિ માટે કામ કરીએ છીએ. હું તમને પુછવા માંગીશ કે શું લોકતંત્ર ખતમ થઈ ગયું, શું તમારો વિશ્વાસ ઓછો થયો? આ લોકોએ ભારત વિરુદ્ધ કામ કરનારાઓને તકો આપી છે.’