વિપક્ષે EVM પર શંકા પેદા કરવાનું પાપ કર્યું છેઃ વડાપ્રધાન
(એજન્સી)નવી દિલ્હી, ઈવીએમ અને વીવીપેટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આજે (૨૬મી એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, આજે (૨૬મી એપ્રિલ) સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બેલેટ પેપરનો યુગ પાછો નહીં આવે.
આજે મતપેટીઓ લૂંટનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે. જ્યારે આખી દુનિયા ભારતની સિસ્ટમના વખાણ કરી રહી છે, ત્યારે આ લોકો હવે અંગત સ્વાર્થમાં ખરાબ ઈરાદા સાથે ઈવીએમને બદનામ કરવામાં લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે લોકશાહી માટે ખુશીનો દિવસ છે. અગાઉ આરજેડી અને કોંગ્રેસના શાસનમાં બેલેટ પેપરના નામે લોકોના અધિકારો લૂંટવામાં આવ્યા હતા.
તેમની સરકારમાં ચૂંટણીમાં મત લૂંટાય છે. એટલા માટે તેઓ ઈવીએમને હટાવવા માગે છે. ઈન્ડી એલાયન્સ ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમ અંગે લોકોના મનમાં આશંકા પેદા કરવાનું પાપ કર્યું છે. સુપ્રીમ કોર્ટે લોકોને આ રીતે ફટકાર લગાવી હતી. વિપક્ષે માફી માગવી જોઈએ.’ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે જ્યારે આખી દુનિયા ભારતની લોકશાહી, ભારતની ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કરે છે
ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ લોકશાહી સાથે દગો કરવાનો સતત પ્રયાસ કર્યો છે. ચૂંટણી વખતે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુને વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયાસો કરે છે આ માટે ચૂંટણી પંચ દ્વારા જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવતાં હોય છે. ઈવીએમ અંગે કેટલાંક લોકો ગેરસમજ ફેલાવતા હતાં પરંતુ આજે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે ઈવીએમમાં કોઈ ચેડાં થઈ શકે તેમ નથી અને લોકોને મતદાન કરવા અપીલ કરી છે.