વિપક્ષ એક થશે તો RSS-ભાજપ દબાવી નહીં શકે ઃ રાહુલ
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે બ્રેકફાસ્ટ માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપ્યુ હતુ. આ બેઠકમાં ૧૪ પાર્ટીઓના નેતા સામેલ થયા હતા. જેમાં શિવસેના, એનસીપી, ટીએમસી આરજેડી જેવા પક્ષોનો સમાવેશ થતો હતો .રાહુલ ગાંધીએ આ દરમિયાન વિપક્ષી નેતાઓને કહ્યુ હતુ કે, જાે આપણે વિપક્ષ તરીકે એકતા જાળવીશું તો આરએસએસ અને ભાજપ આપણને દબાવી નહીં શકે. આમ તો બેઠક માટે ૧૬ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
જાેકે બસપા અને આમ આદમી પાર્ટીના કોઈ નેતા આ બેઠકમાં સામેલ થયા નહોતા. તેમની ગેરહાજરી અંગેનુ કારણ ખબર પડી નથી. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ હતુ કે, સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી. તમામ પાર્ટીઓ એક છે. ઉલ્લેખનીય છે કે, બેઠક બાદ રાહુલ ગાંધીએ અન્ય નેતાઓ સાથે સંસદ સુધી સાયકલ માર્ચ કરીને પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવ અને મોંઘવારીનો વિરોધ કર્યો હતો.