વિપક્ષ નેતા પદને લઈ મ્યુનિ.કોંગ્રેસ કોર્પોરેટરોમાં જુથવાદ વકર્યો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પુરી થયાને પાંચ મહિના ઉપરાંતનો સમય પસાર થયો છે. હજુ સુધી કોંગ્રેસ વિપક્ષ નેતાના નામની જાહેરાત ના કરી શકતા વિપક્ષ નેતા પદને લઈ મ્યુનિ.કોંગ્રેસ કોર્પોરેટરોમાં જુથવાદ વકર્યો છે. એક જુથ દ્વારા મોવડી મંડળને ત્યાં સુધી ચિમકી આપવામાં આવી છે કે, અમે કહીએ એ કોર્પોરેટરને વિપક્ષ નેતા બનાવવામાં નહીં આવે તો પક્ષ સાથે છેડો ફાડી નાંખીશું. કોર્પોરેટરો દ્વારા આપવામાં આવેલી આ ચિમકીને પગલે મોવડી મંડળ પણ સ્તબ્ધ બની ગયુ છે. નેતા નહીં નિમાય તો સ્કૂલ બોર્ડની પાંચ ઓગસ્ટે યોજાનારી ચૂંટણીમાં પણ કોંગ્રેસને નુકસાન થવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.
આ અંગે મળતી માહીતી મુજબ, આ વર્ષે ૨૩ ફેબુ્રઆરીના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરીણામ આવ્યા બાદથી હજુ સુધી કોંગ્રેસ વિપક્ષ નેતાનું નામ જાહેર કરી શકી નથી. કોંગ્રેસમાં વિપક્ષ નેતા પદને લઈને બે મહિલા અને બે પુરૃષ કોર્પોરેટરો વચ્ચે રીતસરની હોડ જામી છે. થોડા સમય પહેલા કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર અને દાણીલીમડાના કોર્પોરેટરના સમર્થકોએ પોત-પોતાના કોર્પોરેટરને વિપક્ષ નેતા બનાવવા સોશિયલ મિડીયા ઉપર રીતસરનું યુધ્ધ છેડતા આ મામલો હાઈ કમાન્ડ સુધી પહોંચ્યો હતો.
કોંગ્રેસના ૨૪ કોર્પોરેટરો છે. આ કોર્પોરેટરો ચાર ધારાસભ્યોમાં વહેંચાયેલા છે. કોંગ્રેસના હાલના કોર્પોરેટરો પૈકી ગોમતીપુરના કોર્પોરેટર પાંચ ટર્મનો અનુભવ ધરાવતા હોવાથી તેમને વિપક્ષ નેતા બનાવવાની ચર્ચા શરુ થતા કોર્પોરેટરના બીજા જુથે મોવડી મંડળ સમક્ષ તેમની સાથે દસ કોર્પોરેટરોનું સમર્થન છે અને વિપક્ષ નેતા પદ મળવુ જાેઈએ એવી લેખિત રજુઆત કરી છે. જાે આમ નહીં થાય તો પક્ષ સાથે છેડો ફાડી અલગ ચોકો રચવાની પણ ચિમકી અપાઈ હોવાનું કોંગ્રેસના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
દરમિયાન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની પાંચ ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત ઔવેસીની પક્ષે પણ તેમનો એક ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રાખ્યો છે. જાે આ ચૂંટણી અગાઉ કોંગ્રેસ તરફથી મ્યુનિ.વિપક્ષ નેતાના નામની જાહેરાત કરવામાં નહીં આવે તો સ્કૂલ બોર્ડની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ દ્વારા ઘડવામાં આવેલી રણનિતી ઉલ્ટાવી નાંખવા અંગે પણ કોંગ્રેસના કોર્પોરેટરોના જુથ પૈકી એક જુથ દ્વારા વ્યુહ રચના ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે.