વિમલ ન ખવડાવતા યુવકને છરીના ઘા મારી દીધા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં લૂંટ વિથ ડબલ મર્ડર અને બાદમાં વટવામાં ફાયરિંગની ઘટના બની હતી. હવે સામાન્ય બાબતમાં છરી મારી દેવાનો બનાવ બન્યો છે. એક યુવક કામથી પરત આવ્યા બાદ કંટાળીને શાક લેવા જતો હતો. ત્યાં તેનો પરિચિત યુવક તેને મળ્યો હતો. યુવકને પરિચિત પાસે રૂપિયા અને નોકરી ન હોવાથી ૨૦૯ રૂપિયા અને પાંચ રૂપિયાની વિમલ માંગી હતી. બંને વસ્તુ આપવાનો ઇન્કાર કરતા યુવકે છરી મારી દીધી હતી.
જેનાથી યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. યુવકને સારવાર અર્થે ખસેડી પોલીસને જાણ કરતા જ અમરાઈવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અમરાઈવાડીમાં મોહનલાલની ચાલીમાં રહેતો ૧૯ વર્ષીય અમિત શર્મા તેના કાકા અને ભાઈઓ સાથે રહે છે. તેના અન્ય પરિવારજનો ઉત્તર પ્રદેશ રહે છે. અમિત મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. શનિવારે સ્ક્રેપનો માલ ભરવા અમિત અને તેનો ભાઈ રાજસ્થાન ગયા હતા અને સાંજે તેઓ પરત આવી ગયા હતા. રાજસ્થાન જઈને આવતા અમિત શર્મા થાકી ગયો હોવાથી ચાલીની બહાર તે હોટલમાંથી શાક લેવા ગયો હતો. ત્યારે ત્યાં ગીતાનગરની ચાલીમાં રહેતો ઉત્તમ હડિયલ મળ્યો હતો.
ઉત્તમ હડિયલે અમિતને જણાવ્યું કે તેને બે ત્રણ દિવસથી કોઈ કામ મળ્યું નથી. ઉત્તમે અમિતને ૨૦૦ રૂપિયા ઉધાર આપવા માટે કહ્યું હતું. જે બાદ અમિતે જણાવ્યું હતુ કે તેની પાસે પૈસા નથી. તે પણ રાજસ્થાન મજૂરી કરીને આવ્યો છે. બાદમાં ઉત્તમે વિમલ ગુટખા માંગી હતી પણ અમિતે જણાવ્યું કે તેને કામ હોવાથી મોડું થાય છે. એક કહીને અમિત ત્યાંથી નીકળતો હતો.
અચાનક જ ઉત્તમ ઉશ્કેરાઈ ગયો અને અમિતને બે ત્રણ ફેંટ મારી જમીન પર પાડી દીધો હતો. બાદમાં ઉત્તમે અમિતને પેન્ટમાંથી છરી કાઢી માથાના ભાગે એક ઘા મારી દેતા અમિત લોહીલુહાણ થઈ ગયો હતો. અમિત ત્યાંથી ભાગવા જતો હતો પણ લોહી વધુ નીકળ્યું હોવાથી તે ત્યાં જ ઢળી પડ્યો અને ત્યારે અર્ધબેભાન થઈ ગયો હતો. બાદમાં અમિતના ભાઈનો મિત્ર ત્યાંથી પસાર થતા અમિતને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ અમરાઈવાડી પોલીસને જાણ કરાતા પોલીસે આ અંગે ઉત્તમ હડિયલ નામના શખશ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.