વિરપુર તાલુકામાં ઠેર ઠેર જન્માષ્ટમી પર્વની ઉજવણી
ભગવાન ભોળાનાથની ભક્તિનો માસ એટલે આખો પવિત્ર શ્રાવણ માસ અને આ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે આવતી શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી, જન્માષ્ટમીના પર્વનો મહિમા અનેરો છે. અને આ પર્વનો સમગ્ર દેશમાં ભારે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં જન્માષ્ટમી પર્વને લઈને પંથકમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને વિરપુરમાં આવેલ ઝમજાર માતાનુ મંદિર સહિતના મંદિરોને પણ શણગારવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે ભજનકીર્તન બાદ રાત્રિના બાર વાગ્યાના ટકોરે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી‘ ના નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હર્ષો ઉલ્લાસ સાથે ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો.
અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો લ્હાવો લઈ ધન્ય થયા હતા. તેમજ તાલુકાના ડેભારી, ભાટપુર, વિરપુર સહિતના ગામોમાં જન્માષ્ટમી પર્વને લઈને યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને ગામના યુવાનો દ્વારા ગામમાં ઠેરઠેર મટકીઓ બાંધવામાં આવી હતી અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ ઠેરઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.