Western Times News

Gujarati News

વિરમગામ ખાતે આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો

  • વિરમગામ તાલુકા સહિત રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટવાયરસ રસી અપાશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ,   દર 10 મિનિટે ભારતમાં રોટા વાઇરસના કારણે થતા ઝાડાથી બાળકનું મરણ થઇ રહ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સહિત સમગ્ર રાજ્યભરમાં રોટા વાયરસની સામે રક્ષણ આપતી રોટા વાયરસ રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આપવાની શરૂઆત કરવામાં આવનાર છે.

જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન મુજબ વિરમગામ ખાતે આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે રોટા વાયરસ રસી અંગેનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં બાવળા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્પેશ ગાંગાણી અને વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા દ્વારા કર્મચારીઓને રોટા વાયરસ રસી અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. રોટા વાયરસ રસીના વર્કશોપમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ ઉપરાંત કર્મચારીઓને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ભારત સરકાર દ્વારા રોટા વાયરસના લીધે બાળકોમાં થતાં ઝાડાને અટકાવવા માટે અને તેના લીધે બાળકોના સ્વસ્થ્યને થતાં નુકસાન અને મૃત્યુ ઘટાડવા માટે રોટવાયરસની રસી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તબક્કાવાર તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવી રહી છે. રોટા વાયરસ એ અત્યંત ચેપી વાઇરસ છે અને બાળકોમાં થતાં ઝાડાના કારણોમાંનું એક સૌથી મોટું કારણ છે. રોટવાયરસથી થતાં ઝાડાને અટકાવવા માટેનો એકમાત્ર ઉપાય રોટવાયરસ રસી છે.

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત,આ રસી ના ફક્ત ૩ ડોઝ બાળકોને ૬ટ્ઠા, ૧૦માં અને ૧૪માં અઠવાડિયાની ઉમરે મો વાટેઅન્ય રસીઓ આપવામાં આવશે. આ રસી તમામ મમતા દિવસ, પેટા કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય સંસ્થાઓ અને સરકારી હોસ્પિટલો ખાતે અન્ય રસીઓ સાથે આપવામાં આવશે. આ એક ખૂબ જ સુરક્ષિત રસી છે અને તેની આડઅસર સામાન્ય અને નહિવત છે. બાળકના સંપૂર્ણ રસીકરણની અંતર્ગત આ રસી સામેલ કરવામાં આવશે. આ રસી ભારત સરકાર દ્વારા ટુક સમયમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સહિત રાજયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. તે પહેલા વિરમગામ તાલુકાના તમામ આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓને રોટા વાયરસ રસી આપવા વિષે માહિતી અને ટ્રેનીંગ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.