વિરાટ આધ્યાત્મિક ગ્રંથને ટાઇટેનિયમ ધાતુ પ્રતો પર કંડારવાની પહેલ
વિરાટ આધ્યાત્મિક ગ્રંથને ટાઇટેનિયમ ધાતુ પ્રતો પર કંડારવાની પ્રથમ ઘટના વડોદરામાં:કોટન પેપરની હસ્તપ્રતો પર લખાયેલા હરિચરિતામૃત સાગર ગ્રંથરાજની ટાઇટેનિયમ શિટ્સ પર અંકિત આવૃત્તિ તૈયાર કરવાનું અદભુત કામ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી-કુંડળધામ ના દિશાનિર્દેશો હેઠળ કરાયું..
ગ્રંથોના નાશથી સંસ્કૃતિનો વિલોપ થાય છે એટલે મહાન ગ્રંથોના શબ્દ દેહને ચીર અમરતા આપવા ટાઇટેનિયમ આવૃત્તિઓ બનાવવાનું મહાકાર્ય ઉપાડ્યું છે:સ્વામી જ્ઞાનજીવનદાસજી
વડોદરા તા.૩૧ ઓગષ્ટ, ૨૦૧૯ (શનિવાર) વિરાટ આધ્યાત્મિક ગ્રંથને ગમે તેવી માનવ સર્જીત કે કુદરતી આફતોમાં અવિચળ રહે અને નાશના પામે તેવી જગતના પટ પરની અતિ સશક્ત ગણાતી ટાઇટેનિયમ ધાતુની પ્રતો પર કંડારવાની અનેરી પ્રથમ ઘટના વડોદરામાં બની છે.
વડોદરાના સ્વામિનારાયણ મંદિર,કારેલીબાગ ખાતે આ યુગકાર્ય પરમ પૂજ્ય સ્વામી જ્ઞાનજીવનદાસજી-કુંડળધામના વિચક્ષણ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.તેના હેઠળ 160 વર્ષ જુના અને જે તે સમયે એક સંત દ્વારા કોટન પેપરની હસ્તપ્રતો પર આલેખિત શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથરાજની અજર અમર અને અવિનાશી ટાઇટેનિયમ આવૃત્તિ પરિશ્રમ અને અદ્યતન ટેકનોલોજીના સુભગ સમન્વયથી તૈયાર કરવામાં આવી છે.વડતાલ ધામના પુસ્તકાલયમાં સચવાયેલો મૂળ ગ્રંથ 4ફૂટ ઊંચા અને 33 કિલો વજનના,102564 દોહા-ચોપાઈ-સોરઠા ધરાવતી મહાકાય હસ્તપ્રતના સ્વરૂપમાં છે.જેના પરથી તેને ટાઇટેનિયમમાં કંડારવાનું કામ કેટલું મહા ભગીરથ હતું એનો આછો અંદાજ મળે છે.વિજ્ઞાન અને ટેકનોલોજીનો ધર્મજ્ઞાન અને ધર્મ વારસાને સાચવવા માટે કેટલો વિપુલ અને ઉત્તમ વિનિયોગ થઈ શકે એની દિશા આ કામે દર્શાવી છે.
આ પરંપરાને આગળ ધપાવતા હવે કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરે શ્રીમદ ભગવદ ગીતા અને પવિત્ર વચનામૃત ગ્રંથની અવિનાશી ટાઇટેનિયમ આવૃત્તીઓ બનાવવામાં આવી રહી છે.
ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય વારસા જેવા ઘણાં પ્રાચીન ગ્રંથો કાળની થપાટો અને આક્રમણખોરોની ક્રુરતાને લીધે વિલુપ્ત થઈ ગયા એનો ઉલ્લેખ કરતાં સંત જ્ઞાનજીવનદાસજીએ જણાવ્યું કે ગ્રંથના નાશથી સંસ્કૃતિનો વિલોપ થાય છે.એટલે મહાન ગ્રંથોના હસ્તલિખિત શબ્દ દેહને ચીર અમરતા આપવા ટાઇટેનિયમ આવૃત્તિઓ બનાવવાનું મહાકાર્ય ભાવિક ભક્તોના સહયોગથી અમે ઉપાડ્યું છે.ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો વિનિયોગ કરીને ઘણી જટિલ પ્રક્રિયાઓ તેના માટે કરવી પડે છે.
તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે પાયાનો ગ્રંથ ગણાતા વચનામૃતની ટાઇટેનિયમ આવૃત્તિ લગભગ તૈયાર થઈ ગઈ છે અને નવેમ્બર મહિનામાં વડતાલ ધામ ખાતે યોજાનારા વિરાટ વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવમાં આ ગ્રંથ શ્રીજી મહારાજને અર્પણ કરવાનું આયોજન છે. આ મહાકાર્ય માટે શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપટ ઓન ટાઇટેનિયમ શીટની વિક્રમ માન્યતા અને પદક આપવામાં આવ્યા છે.
યાદ રહે કે ટાઇટેનિયમ એક અતિ કિંમતી ધાતુ છે જેની અપ્રતિમ મજબૂતાઈને લીધે એનો ઉપયોગ સ્પેસ્ક્રાફ્ટ અને એરોસ્પેસના સાધનો,વિમાનો ,સબમરીન,તેમજ તબીબી જગતમાં બોન ઈંપ્લાન્ટસ બનાવવામાં કરવામાં આવે છે.લાવારસ પણ આ ધાતુને પીગળાવી ના શકે એવી એની તાકાત છે.
ભગવાન સ્વામિનારાયણ ના જીવન કવનનું નિરૂપણ કરતો અને તે સમયના સમાજ જીવન અને ઇતિહાસની ઝાંખી કરાવતો આ ગ્રંથ ખુબજ સાંસ્કૃતિક અગત્યતા ધરાવે છે.એનું હસ્તપ્રત લેખન જે તે સમયે સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ કર્યું હતું અને તેમાં ભગવાન સ્વામિનારાયણ ની દિનચર્યા,ઉત્સવ,સામૈયા,ઉપદેશ,તે સમયની રાજકીય પરિસ્થિતિ અને ઉપદેશોની વાતો વણી લીધી હતી.એની ટાઇટેનિયમ આવૃત્તિ 1047 કિલો વજની બની છે જેને 34 ટાઇટેનિયમ પેટીમાં રાખવામાં આવશે.આ ગ્રંથ 6202 ટાઇટેનિયમ પ્લેટ્સ પર 12404 પાના-પેજીસના રૂપમાં કંડારવામાં આવ્યો છે.લેસર મશીન,કોમ્પ્યુટર,ચિલર મશીન,કોમ્પ્રેસર,રૂમ એર ડ્રાયર, ફ્યુમ એક્સ્ટ્રેક્ટર,કોમ્પ્રેસ એર ડ્રાયર ઇત્યાદિની મદદથી આ કામ કરવામાં આવ્યું છે.