વિરાટ કોહલી વન-ડે બેટિંગ રેન્કિંગમાં નંબર વન ઉપર
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ ભલે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝમાં હારી ગઈ હોય પરંતુ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્ષનો અંત નંબર વન રહીને કરશે. ગુરુવારે રજૂ કરેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વન-ડે બેટિંગ રેન્કિંગમાં કોહલી નંબર વન છે. કોહલીના ૮૭૦ પોઈન્ટ છે. જ્યારે હાર્દિક પંડ્યાએ ૨૨ સ્થાનનો કૂદકો મારતાં ૭૧ પરથી ૪૯મા ક્રમે આવી ગયો છે. આ પહેલી વાર જ્યારે તે ટોપ ૫૦ બેટ્સમેનોના રેન્કિંગમાં પહોંચ્યો છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં કોહલીએ બે અડધી સદી ફટકારી હતી. તેણે બીજી મેચમાં ૮૯ અને અંતિમ મેચમા ૬૩ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સનો ફાયદો તેને આઈસીસી રેન્કિંગમાં થયો છે. પહેલા નંબરે કોહલી છે. તો બીજા નંબરે ૮૪૨ પોઈન્ટ સાથે રોહિત શર્મા છે. જ્યારે ૮૩૭ પોઈન્ટ સાથે ત્રીજા નંબરે પાકિસ્તાનનો બાબર આઝમ છે. ચોથા નંબરે ૮૧૮ પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે બે રેન્કનો કૂદકો મારતાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ફિન્ચે ભારત સામે પહેલી વન-ડેમાં સદી ફટકારી હતી. તેના ૭૯૧ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારત સામે સીરિઝમાં બે અડધી સદી ફટકારી હતી. તેણે આ ઈનિંગ્સની મદદથી વર્ષ ૨૦૧૭ પછી પહેલી વાર ટોપ-૨૦માં જગ્યા મેળવવામાં સફળતા મેળવી છે.