વિરાટ કોહલી હજુ પણ મારા કેપ્ટન છે : અજિંક્ય રહાણે
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં ઐતિહાસિક જીતમાં પોતાની કેપ્ટનશિપથી દિલ જીતનારા અજિંક્ય રહાણેએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, તેમની ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે અને જરૂર પડવા પર જ તે કેપ્ટનશિપ કરીને ખુશ છે.
ઈંગ્લેન્ડની સામે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં રહાણે ફરીથી વાઈસ કેપ્ટન હશે. હવે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ફરી વાઈસ કેપ્ટનશિપ સંભાળતી વખતે તેમના માટે શું અલગ હશે, એમ પૂછવા પર રહાણેએ કહ્યું કે, કંઈપણ નહીં.
વિરાટ ટેસ્ટ ટીમમાં કેપ્ટન હતા અને રહેશે. હું વાઈસ કેપ્ટન છું. તે ન હોવાથી મને કેપ્ટનશિપ અપાઈ હતી અને મારું કામ ટીમ ઈન્ડિયાની સફળતા માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હતું. તેણે કહ્યું કે, માત્ર કેપ્ટન બનવું જ મહત્વપૂર્ણ નથી. કેપ્ટનની ભૂમિકા તમે કઈ રીતે નિભાવો છો,
તે વધુ મહત્વનું છે. અત્યાર સુધી હું સફળ રહ્યો છું અને આશા છે કે, ભવિષ્યમાં પણ સારા પરિણામ આપી શકીશ. રહાણેની કેપ્ટનશિપમાં ભારતે પાંચમાંથી ચાર ટેસ્ટ જીતી છે. કોહલી સાથે પોતાના સંબંધ વિશે તેમણે કહ્યું કે, મારો અને વિરાટનો તાલમેલ હંમેશા સારો રહ્યો છે. તેણે અવાર-નવાર મારી બેટિંગની પ્રશંસા કરી છે.
અમે ટીમ માટે ભારતમાં અને વિદેશમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. તે ચોથા નંબર પર ઉતર છે અને હું પાંચમા નંબરે, એટલે અમારી ઘણી ભાગીદારીઓ બની છે. રહાણેએ કહ્યું કે, અમે હંમેશા એકબીજાની રમતનું સન્માન કર્યું છે. અમે જ્યારે ક્રીઝ પર હોઈએ છીએ તો વિરોધી બોલરો વિશે વાત કરીએ છીએ.
જ્યારે અમારા બંનેમાંથી કોઈ ખરાબ શોટ રમે છે, તો અમે એકબીજાને ચેતવી દઈએ છીએ. તે મેદાન પર સારો ર્નિણય લે છે. સ્પિનરો પાસે બોલિંગ કરાવવા પર તે મારા ર્નિણય પર ઘણો વિશ્વાસ રાખે છે. તેમનું માનવું છે કે, અશ્વિન અને જાડેજાના દડા પર સ્લિપમાં કેચ પકડવો મારી ખૂબીઓમાંથી એક છે.
તેણે કહ્યું કે, વિરાટને મારાથી ઘણી અપેક્ષાઓ છે અને હું પ્રયાસ કરૂં છું કે, તેના પર ખરો ઉતરૂં. પોતાના કરિયરમાં ઘણા ચડાવ-ઉતાર જાેયા બાદ શું ટેસ્ટ ટીમમાં હવે તેમને પોતાનું સ્થાન વધુ પાક્કું નજર આવે છે, એમ પૂછવા પર તેમણે કહ્યું કે, પ્રામાણિકતાથી કહું તો મને ક્યારેય નથી લાગ્યું કે, મારું સ્થાન ખતરામાં છે. કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો છે. તેમણે કહ્યું કે, ‘ઘણી વખત કેટલીક સીરિઝમાં કોઈ ખેલાડી ખરાબ ફોર્મમાં રહે છે, પરંતુ તેનો એ અર્થ નથી કે તેનો ક્લાસ જતો રહ્યો. ખેલાડીને ફોર્મમાં પાછા આવવા માટે એક સારી ઈનિંગ્સની જ જરૂર હોય છે.