વિરાટ પિતા બનતા પહેલાં મેરી કોમ પાસેથી ટિપ્સ લેવા ઇચ્છુક
નવી દિલ્હી: વિરાટ કોહલી આવતા વર્ષે જાન્યુઆરીમાં પિતા બનવાનો છે, પરંતુ તે પહેલા ભારતીય કેપ્ટન રમત અને પિતાની જવાબદારીઓમાં સંતુલન મેળવવા માટે છ વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમ પાસેથી ટિપ્સ લેવા માગે છે. ભારતીય કેપ્ટનએ કહ્યું કે તે સ્ટાર બોકસર અને ચાર બાળકોની માતા મેરી કોમના બતાવેલા રસ્તા પર ચાલવા માગે છે. કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને આવતા વર્ષે જાન્યુઆરીમાં પહેલું સંતાન આવશે. કોહલીએ મેરી કોમને ઈન્સ્ટાગ્રામ ચેટમાં કહ્યું, મને નથી લાગતું કે માતા-પિતાની ભૂમિકા અને વ્યસ્ત કારકિર્દીને સંતુલિત કરવા વિશે વાત કરતાં તમારાથી વધુ સારું કોઈ છે.
બંને વચ્ચેની વાતચીત પહેલા કોહલી અને અનુષ્કાને છ વખતની વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનારી બોક્સર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા. કોહલીએ હજી પણ રિંગમાં દબદબો ધરાવનારી ૩૭ વર્ષીય મેરી કોમને પૂછ્યું, તમે માતા છો, આટલી બધી ચેમ્પિયનશિપ્સમાં ભાગ લઈ, પ્રેક્ટિસ કરીને, તમે તે બધું કેવી રીતે કર્યું. તમે સંતુલન કેવી રીતે રાખ્યું? મેરી કોમે જણાવ્યું હતું કે પરિવારની સહાય વિના આ શક્ય ન હોત. તેણે કહ્યું, ‘લગ્ન પછી મારા પતિ મારી મજબૂત પાસુ રહ્યા છે. તેઓએ મને ઘણો ટેકો આપ્યો. તેઓએ મારે જોઈતી દરેક બાબતોનું ધ્યાન રાખ્યું. તે આદર્શ પતિ અને પિતા છે. વળી મારા બાળકો પણ કોઈથી કમનથી.
કોહલીએ કહ્યું કે કોઈપણ માતા-પિતા મેરી કોમે બતાવેલા માર્ગને અનુસરી શકે છે. ભારતીય કેપ્ટનએ કહ્યું કે, તમે દેશની મહિલાઓ માટે જ નહીં પણ દરેક માટે રોલ મોડેલ છો. બધી મુશ્કેલીઓ અને ઓછી સુવિધાઓ અને અન્ય પડકારો હોવા છતાં પણ તમે રમતમાં ઘણું પ્રાપ્ત કર્યું છે. તેણે કહ્યું, તમે આગળ વધતાં રહ્યાં અને તમારો માર્ગ સરળ બનાવતા ગયા. આ એવી વસ્તુ છે જે દરેક માટે પ્રેરણાદાયક છે. હું કહેવા માગુ છું કે તમે અમારા બધા માટે પ્રેરણા છો. તમને આ સવાલ પૂછતાં મને ખરેખર બહુ ગૌરવ થયું છે. કોહલીએ કહ્યું,અમે માતાપિતા બનવાના છીએ. તમે જે કર્યું છે તેનાથી અમે પ્રેરણા લઈએ છીએ. અમે તમે બતાવેલા માર્ગ પર આગળ વધીશું.