વિરોધ કરવાની ફેશન: કોઈ પણ વાતનો વિરોધ કરો તો જ તમારી ગણતરી થાય
કેટલાંકનો જન્મ જ માત્ર વિરોધ કરવા થયો હોય એમ આપણને લાગે…
થોડા દિવસ પહેલાં અમે એક પરિચિતને ત્યાં ગયેલા. પરિચિત એમની દીકરીને નાગરિક શાસ્ત્રમાં દેશની લોકશાહી વિશે પ્રાથમિક સમજ આપી રહ્યા હતા. શાસક પક્ષ અને વીરોધ પક્ષ વિશે લાંબુ લાંબુ સમજાવ્યા પછી મિત્રએ એને પૂછ્યુંઃ ‘બોલ, શું ખબર પડી ?’
‘આપણું ઘર એક કન્ટ્રી હોય તો તું રૂલિંગ પાર્ટીને પાપા ઓપોઝિશન, રૂમમાં પિનડ્રોપ સાઈલન્સ. વાત તો સાચી, વિરોધનું વાતાવરણ ઘરમાં જ સૌ પહેલું જાેવા મળે. લગ્નથી માંડીને બાળકને કયા માધ્યમમાં ભણાવવું સુધી એક ચક્ર ચાલે. એમાં વાંધાવિરોધ અંગે બાળકને અલગથી સમજ આપવી પડતી નથી.
ઘરે આવીને સુખાસન પર ઝૂલતાં ઝુલતાં અમારા મનમાં વિરોધવંટોળ ફુંકાયો. મનોમન અમે વિરોધ કેટલા પ્રકારનો હોઈ શકે તે વિચારવા માંડ્યા.
કરવા ખાતર વિરોધઃ ઘણાં માત્ર વિરોધ કરવા ખાતર જ કરે. ફલાણાએ કહ્યું માટે વાંધો લેવો એટલે લેવો. રાજકારણમાં આવું ખાસ જાેવા મળે. શાસક પક્ષે કોઈ નિર્ણય લીધો હોય એ જનતાના હિતમાં હોય તોય પોતે વીરોધ પક્ષમાં હોવાને લીધે જ વિરોધ કરે.
સરકારનો આ નિર્ણય ખોટો છે એમ ગાઈવગાડીને કહે પણ તો સાચો નિર્ણય શો હોઈ શકે એ વિશે મગનું નામ મરી ન પાડે. અહીં વિરોધ કરનારને સુપેરે ખબર હોય છે કે વાંધો પાડવા જેવું કઈ છે નહી. પણ વિરોધ પક્ષનું મુખ્ય કામ જ વીરોધ કરવાનું છે એવું ઠસી ગયું હોય એટલે વિરોધ કરે. એક વાર વિનોદ ભટ્ટે વાત કરેલી તે યાદ આવી ગઈ. શહેરમાં નવી નવી બસસેવા ચાલુ થઈ. એ વખતે એક જ રૂટ હતો.
ભદ્રથી કાલુપુર… એક આનાની ટિકિટ. છ જ પૈસા ટિકિટ હોવા છતાંય બસ ખાલી જાય. એટલે નગરપાલિકાએ ટિકિટ ભાડું ઘટાડીને ચાર પૈસા કર્યું. થોડા લોકોથી આ સહન ન થયું અને પહોંચી ગયા વિરોધ કરવા નગરપાલિકાએ કારણ પુછયું તો જાણવા મળ્યું કે પહેલાં એ લોકો બસની પાછળ એ જ રૂટ પર ચાલતાં જતા તો છ પૈસા બચતા, હવે ચાર જ બચે છે. બે પૈસાનું નુકસાન અમદાવાદી થઈને કેવી રીતે સહેવાય?
સ્વયંભૂ વિરોધઃ કેટલીક વાર વિરોધ પણ કલાત્મક રીતે કરાય. વાતાવરણ જ એવું ઉભું કરવામાં આવે કે દરખાસ્ત કરનાર પોતે જ પોતાનો વિરોધ કરે. અમારા પાડોશીને ત્યાં ટીવી લેવાનું હતું. એમના પત્નીને જે ટીવી ગમેલું તે જરા મોંઘું હતું એમને જે ગમેલું એ ટીવીના ફીચર્સમાં કિંમત સિવાય ખાસ કંઈ ફરક ન હતો.
ભુતકાળના અનુભવોના આધારે પત્નીને સીધી ના કહેવાનું કે વિરોધ કરવાનું જાેખમ એ જાણતા હતા. એટલે એમને પત્નીને ટીવીની કિંમતનો ફરક કહ્યો. ને પછી પેલી ભોળીએ જાતે જ પોતાને ગમતા ટીવીની જિદ મૂકી દીધી. આ સ્વયંભૂ વિરોધ કહેવાય. પોતે જ પોતાનો વિરોધ કરે.
સ્ટાર્ટ અપ વિરોધઃ કેટલાંકને પોતાની વાત શરૂ કરતાં પહેલાં ‘ના, એમ નહીં..’ કહીને વિરોધ નોંધાવવાની ટેવ હોય છે. તમે ગમે એટલી સાચી વાત કરો તમને ના તો કહે જ. છેલ્લે એમની વાત પુરી થાય ત્યારે સરવાળે તો તમારી વાત સાથે જ સંમત હોય. પણ જાેયું? મેં કેવું કહી દીધું? આપણે કોઈની સાડાબારી નહી. વાળો એટિટયુડ એમને વિરોધ કરવા પ્રેરે, યુ નોવ. માત્ર શરૂઆતમાં જ વિરોધ નોંધાવે એ સ્ટાર્ટ અપ વિરોધ.
મજબુત વિરોધઃ તમારી વાત સાચી છે પણ હું આમ માનું છું કહીને વિરોધ નોંધાવવાની રીત પણ અનોખી છે. તમારી વાત શાંતિથી સાંભળે પછી એક પછી એક તર્કબદ્ર દલીલોથી વાતનો છેદ ઉડાડતા જાય એ મજબુત વિરોધ.
હઈસો હઈસો વિરોધઃ આજકાલ વિરોધ કરવાની ફેશન છે. કોઈ પણ વાતનો તરત વિરોધ કરો તે જ તમાીર ગણતરી થાય. કેટલાંકને જન્મ માત્ર વિરોધ કરવા થયો હોય એમ એમને હઈસો હઈસો કરતા લાગી જ પડે. આ પ્રકારના વિરોધથી ઝટપટ પ્રખ્યાત થઈ જવાય છે એટલે પ્રખ્યાત થવાના બહુ અભરખા હોય એ આવા વિરોધની લપસણી પર જલદી લપસી પડે છે.
અવિચારી વિરોધઃ અવિચારી વિરોધમાં ઘી પૂરવાનું પંડિતકર્મ સોશિયલ મીડિયા કરે. એકનું જાેઈને બીજાે. બીજાને જાેઈ ત્રીજાે વિરોધ પ્રગટ કરે પછી તો વિરોધની વણઝાર. પોતે એટલું જ વિચારે કે ફલાણાંએ જાે વિરોધ કર્યો તો અમે કેમ નહીંવાળી મેન્ટાલિટી, યુ.સી.
સોડાવોટર વિરોધઃ આ વિરોધ દંપતીઓમાં પ્રખ્યાત છે. પ્રગટપણે વિરોધ ન હોય પણ મનમાં તો કેટલાય સંવાદો પેરેલલ ચાલતા જ હોય. પતિ પત્નીને એકબીજાનો જેટલો વિરોધ હોય એટલો કદાચ કોઈને નથી હોતો. મોટાભાગે આ પ્રકારના વિરોધ સોડાવોટરના ઉભરાની માફક તરત શમી જાય.
દીવાદાંડી વિરોધઃ આ પ્રકારનો વિરોધ મનુષ્યના જીવનમાં ધરમૂળથી ફેરફાર લાવી શકે છે. કોઈ વાર સાચી દિશા ચીંધવાનું કામ કરનારો આ પ્રકારનો વિરોધ હકારાત્મક હોવાથી મનુષ્યને જીવનમાં ઉર્ધ્વગતિમાં મદદરૂપ બને છે.
એકચ્યુઅલી વિરોધ કરવાથી મનુષ્યનું શબ્દભંડોળ, તર્કશક્તિ અચૂક વધે છે. કોણ આપણી તરફેણમાં કે વિરોધમાં છે તે જાણવા મળે છે. આપણે કોની સાથે કેટલી ઉઠબેસ રાખવી તેનું અજાણતા જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આવું કોઈ શાસ્ત્રમાં લખ્યુ નથી પણ શાસ્ત્રોમાં કેટલીક વાતો લખે ? ત્યાં વાત પૂરી.