વિરોધ પક્ષોને કારણે દેશ અને લોકતંત્ર શર્મસાર થયું છે : પાત્રા
નવીદિલ્હી: રાજ્યસભામાં કાલે થયેલા હંગામાને લઈને આજે વિપક્ષી દળોના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કરી. માર્ચમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર તાનાશાહી અને લોકતંત્રની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષના આ આરોપો પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપે કહ્યું કે, વિપક્ષે સતત હંગામો કરી સંસદને સડક બનાવી દીધી.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ- જે પ્રકારનો વ્યવહાર આજે કોંગ્રેસ પાર્ટી અને કેટલીક અન્ય વિપક્ષી પાર્ટીઓએ રસ્તા પર ઉતરીને કર્યો છે. જે પ્રકાર અરાજકતા સંસદની અંદર વિપક્ષી પાર્ટીઓ અને ખાસ કરી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ દેખાડી છે, તેનાથી દેશ અને લોકતંત્ર શર્મસાર થયું છે. તેમણે કહ્યું- એક સુરક્ષાકર્મીને પણ ઈજા થઈ છે. તે પણ હોસ્પિટલમાં છે. આ તે વિપક્ષ છે જે કહી રહ્યાં હતા
સંસદનું એક વિશેષ સત્ર બોલાવવું જાેઈએ, પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું હતું, કોરોના પર એક દિવસ પણ ચર્ચા થવા દીધી નહીં.
વિપક્ષના પ્રદર્શનને લઈને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી અને કેટલાક વિપક્ષના લોકો તો શરૂઆતથી કહી રહ્યાં હતા કે અમે સંસદના સત્રને વોશઆઉટ કરવા માટે વોશિંગ મશીન લાવ્યા છીએ. તમે માત્ર સંસદને બદનામ કરી રહ્યાં નથી પરંતુ દેશને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું- અમે સરકારને પેગાસસ પર ચર્ચા કરવાનું કહ્યુ પરંતુ સરકારે તેના પર ચર્ચા કરવાની ના પાડી દીધી. અમે સંસદની બહાર કિસાનોનો મુદ્દો ઉઠાવ્યો અને આજે અહીં તમારી (મીડિયા) સાથે વાત કરવા આવ્યા છીએ, કારણ કે અમને અંદર બોલવા દેવામાં આવ્યા નહીં. આ લોકતંત્રની હત્યા છે.