વિવાદની વચ્ચે ચીન બ્રહ્મપુત્ર નદી પર ડેમનું નિર્માણ કરશે
બીજિંગ, ચીન તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય ડેમનું નિર્માણ કરશે અને આવતા વર્ષથી લાગુ થનારી ૧૪મી પંચવર્ષીય યોજનામાં તેને સંબંધિત પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ચીનના ઓફિશિયલ મીડિયાએ ડેમ બનાવવાની જવાબદારી મેળવી ચૂકેલી એક ચીની કંપનીના પ્રમુખના હવાલાથી આ જાણકારી આપી છે. અહેવાલ અનુસાર, પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઇનાના અધ્યક્ષ યાંગ જિયોંગે કહ્યું કે ચીન યારલુંગ જંગ્બો નદી (બ્રહ્મપુત્રનું તિબેટી નામ)ના નીચલા હિસ્સામાં જળવિદ્યુત ઉપયોગ પરિયોજના શરૂ કરશે અને આ પરિયોજના જળ સંસાધનો અને સ્થાનિક સુરક્ષાને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
રવિવારે કમ્યુનિસ્ટ યૂથ લીગ ઓફ ચાઇનાની કેન્દ્રીય સમિતિના વી-ચેટ એકાઉન્ટ પર મૂકવામાં આવેલા એક લેખના હવાલાથી આ જાણકારી આપી કે યાંગે કહ્યું છે કે સત્તારૂડ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના (સીપીસી) દેશની ૧૪મી પંચવર્ષીય યોજના (૨૦૨૧-૨૫) તૈયાર કરવાના પ્રસ્તાવમાં આ પરિયોજનાને સામેલ કરશે અને ૨૦૩૫ સુધીમાં તેના માધ્યમથી લાંબાગાળાના લક્ષ્ય પ્રાપ્ત કરવા પર વિચાર કરી ચૂકી છે.
આ પરિયોજના વિશે વિસ્તૃત જાણકારી આવતા વર્ષે નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી) દ્વારા ઔપચારિર અનુસમર્થન આપ્યા બાદ સામે આવવાની આશા છે. બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશ થઈને પસાર થાય છે. એવામાં ડેમ નિર્માણના પ્રસ્તાવથી બંને દેશોની ચિંતામાં વધારો થયો છે. જોકે ચીને આ ચિંતાઓને ફગાવી દેતાં કહ્યું છે કે તેઓ તેમના હિતોને પણ ધ્યાનમાં રાખશે. ભારત સરકાર નિયમિત રૂપથી પોતાના વિચારો અને ચિંતાઓથી ચીની અધિકારીઓને અવગત કરાવતી રહી છે અને ભારતે ચીનને એ સુનિશ્ચિત કરવાનો આગ્રહ કર્યો છે કે નદીની ઉપરના હિસ્સામાં થનારી ગતિવિધિઓથી નીચલા હિસ્સા સાથે જોડાયેલા દેશોના હિતોને નુકસાન ન થાય.