Western Times News

Gujarati News

વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠીઓ-  સંસ્થાઓનું સન્માન કરાયું

76મા સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રો સરાહનીય કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠીઓ-સામાજીક સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧. શ્રી બાબુભાઈ કેશરાભાઈ પણુચા :

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા ગામના વતની શ્રી બાબુભાઈ કેશરાભાઈ પણુચા એવા રમતવીર છે જેમણે પોતાની સમસ્ત યુવાની રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરી ૨૩ વર્ષ ચાર મહિના સુધી ઇન્ડિયન આર્મીમાં સેવા આપી છે. ઓલમ્પિકમાં ક્વોલિફાઇ કરનાર શ્રી બાબુભાઈ ગુજરાતના એકમાત્ર જલદ ચાલ દોડવીર છે. વૉકિંગ રેસમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણાં મેડલ જીતીને તેઓએ દેશનું નામ રોશન કર્યું છે. આજના નવ યુવાનોને કોઈ ફી વગર ફિઝિકલ ટ્રેનિંગ આપવા માટે તેઓએ સ્પોર્ટ્સ એન્ડ ડિફેન્સ એકેડેમી ચાલુ કરી છે જે યુવાનોને જુદા જુદા ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે મદદરૂપ થાય છે.

૨ શ્રી ભાવેશભાઈ ખીલવાણી :

મોડાસા તાલુકાના ભાવેશભાઈ ખીલવાણી સોફ્ટ ટેનિસ રમતના ખેલાડી છે. ભાવેશભાઈએ છેલ્લા આઠ વર્ષમાં રાજ્યકક્ષાની ૧૦ અને રાષ્ટ્ર કક્ષાની ૫ જેટલી રમતમાં ભાગ લીધો છે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત બોયઝ સ્પર્ધામાં ગુજરાતની ટીમ વતી ભાવેશભાઈએ અલગ અલગ વર્ષોમાં ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રાન્ડ મેડલ જીતેલા છે. આ ઉપરાંત તેમણે સબ જુનિયર બોયઝ એન્ડ ગર્લ્સ નેશનલ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં પણ બ્રાન્ચ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલા છે.

૩. સુશ્રી કશીશ મેહુલભાઈ પટેલ

મોડાસા તાલુકાના કોલીખડકંપા ગામના વતની સુશ્રી કશીશ મેહુલભાઈ પટેલએ હોકીની રમતમાં રાજ્ય કક્ષાની વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ટીમને ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ અપાવી પોતે બેસ્ટ ફોરવર્ડ એવોર્ડથી અનેક વખત સન્માનિત થયા છે. સુશ્રી કશીશ પટેલની સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ (DLSS) માં શ્રી જે.બી.શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં વર્ષ 2016 માં પસંદગી થયેલ છે.

૪.  શ્રી જન્મેજય પટેલ

મોડાસાના વતની શ્રી જન્મેજય પટેલએ આઠ વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસની રમત રમવાનું શરૂ કરી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ (DLSS) મોડાસા ખાતે પ્રશિક્ષણ મેળવી રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં સારું પર્ફોમન્સ આપેલ છે. તેઓ રાજ્ય કક્ષાની વર્ષ 2017 માં સુરત વર્ષ 2018 માં ભાવનગર અને વર્ષ 2020 માં રાજસ્થાન ખાતે યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સન્માનિત થયેલ છે. આ ઉપરાંત શ્રી જન્મેજય પટેલે ધર્મશાળા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની જુનિયર નેશનલ ઇન્ટરસ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2018 માં બ્રોન્ઝ મેડલ અને નેતાજી સુભાષચંદ્ર ઇસ્ટરન સેન્ટર સિલેક્શન ફોર ઇન્ડિયામાં રાષ્ટ્રીય કક્ષાએ પાંચમો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

૫. શ્રી જયેન્દ્રભાઈ અમૃતલાલ મકવાણા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા શ્રી જયેન્દ્રભાઈ અમૃતલાલ મકવાણા જિલ્લાના આજુબાજુના વિસ્તારમાં યોગના પ્રચાર પ્રસારના કાર્યો કરે છે. અરવલ્લી જિલ્લો યોગમય બને તેવા તેમના પ્રયત્નો છે. ૨૧ જૂન ૨૦૧૫ થી યોજાતા વિશ્વ યોગ દિવસથી જ તેઓ વિવિધ શાળાઓ તેમજ લોકોમાં યોગ સંવાદ અને શિબિરના આયોજનો કરે છે. ઘરે ઘરે જઈને યોગ માર્ગદર્શન આપે છે. કોરોના જેવી મહામારીમાં સકારાત્મકતા ફેલાવવાના કાર્યો પણ તેમણે કર્યા છે. હાલમાં તેઓ અરવલ્લી જિલ્લાના યોગ કોચ તરીકેની સેવા આપી રહ્યા છે.

૬. શ્રી નવનીત કુમાર રણછોડભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના શ્રી નવનીત કુમાર રણછોડભાઈ પટેલ શિક્ષણ ક્ષેત્રે આગવું કામ કરે છે. તેઓ મઠ પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવે છે.  તેઓએ તેમની ૨૫ વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં નુતન પ્રવાહો અને આગવી શૈક્ષણિક સૂઝથી શિક્ષણના અલાયદા કાર્યો કર્યા છે. માત્ર પાંચ વર્ષની ઉંમરથી પોલિયોના શિકાર હોવા છતાં તેઓ બાળકોમાં સાક્ષરતા ફેલાવવાનું અભિયાન ચલાવે છે. રાત્રી વર્ગો, બાળકોનું શાળામાં નામાંકન, કન્યા કેળવણી, વ્યસન મુક્તિ અભિયાન, પર્યાવરણ બચાવો, વાંચન પર્વ જેવા સમાજ સુધારણાના કાર્યો તેઓ કરે છે. બાળકોના સર્વાંગી વિકાસમાં ઉત્તમ પરિણામ મેળવેલ છે.

૭. શ્રી વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શ્રી વિનોદચંદ્ર ભીખાભાઈ પટેલ દિવ્યાંગ હોવા છતાં વર્ષ ૧૯૯૫ થી સાબરકાંઠા ફિઝિકલ હેન્ડિકેટ મંડળની સ્થાપના કરી દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરે છે જેમાં ૧૨૩૦ દિવ્યાંગો સાથે જોડાઈને સરકારશ્રીની વિવિધ યોજનાઓના અવેરનેસ નું કામ કરે છે. તેઓ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ નું આયોજન કરે છે તથા વિવિધ રોજગાર લક્ષી તાલીમ દિવ્યાંગોને પૂરી પાડે છે. આ સાથે તેઓ દિવ્યાંગો અને માનવ હકોના જાગૃતિકરણનું કામ કરે છે. વર્ષ ૧૯૯૮ માં તેમને રાજ્યપાલશ્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ પારિતોષિક અને પ્રશસ્તિપત્ર મળેલ છે.

૮. શ્રી દિનેશભાઈ ભાઈલાલભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શ્રી દિનેશભાઈ ભાઈલાલભાઈ પટેલ છેલ્લા ૧૫ વર્ષથી પરંપરાગત ખેતી સાથે સંકળાયેલા છે અને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરે છે. તેઓ પ્રાકૃતિક કૃષિમાંથી સારી આવક મેળવી ઘણી પ્રગતિ કરી છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા શ્રેષ્ઠ ખેડૂત તરીકે વર્ષ ૨૦૧૯-૨૦ માં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેઓ પરિવાર તથા સમાજને રસાયણ મુક્ત ખોરાક આપવાની રાષ્ટ્રસેવા કરે છે.

૯. શ્રી કેશાજી બનાજી ઠાકોર

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દેસાઈપુર કંપા ગામના સરપંચ શ્રી કેશાજી બનાજી ઠાકોર ગામ એકતાના પ્રતીક સમાન છે. દેસાઈપુર ગામમાં થયેલા વિકાસના કામોના કારણે દેસાઈપુર ગ્રામ પંચાયત ગોકુલધામ નિર્મળ ગામ, પાવન ગામ, તીર્થ ગામ, સ્માર્ટ વિલેજ અને વૃંદાવન ગામમાં પસંદ થયેલ છે. યુવાનોના વિકાસની વિવિધ યોજનાઓનું તેમણે અમલીકરણ કરાવ્યું છે.

૧૦. શ્રી શામળભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનાં શ્રી શામળભાઈ પટેલ હિંમતનગરની સાબર ડેરીના ચેરમેન છે. તેવો ૪૨ વર્ષથી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તેઓ વિવિધ સહકારી ક્ષેત્રોના ટ્રેક્ટર અને ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ NDB તથા NCDFI દિલ્હીમાં ડિરેક્ટરર તરીકે પણ કાર્યરત છે. કોરોના મહામારી દરમિયાન સાબર ડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ તથા સાર્વજનિક હોસ્પિટલ મોડાસા તથા વાત્રક હોસ્પિટલ નું અનુદાન આપીને જન હિતના કાર્યો કર્યા છે. ડેરી ઉદ્યોગ માટે જિલ્લાના પશુપાલકોના હિતના કાર્ય કર્યા છે.

૧૧. શ્રી દિલીપભાઈ ધનજીભાઈ પટેલ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શ્રી દિલીપભાઈ ધનજીભાઈ પટેલ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. તેઓ મોડાસા ખાતેનું અન્નપૂર્ણા ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટ દ્વારા આસપાસના પ્રદેશના દર્દીઓને ટોકન ભાવથી શુદ્ધ સાત્વિક ભોજન પૂરું પાડવામાં આવે છે. વડીલોને તથા વૃદ્ધોના માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની દેખભાળ માટે તેમના દ્વારા વિસામો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પાણીની પરબો અને અન્ય માનવલક્ષી સુવિધા પક્ષીઓની સાર સંભાળ જેવા કાર્યો તેમણે ટ્રસ્ટ સંચાલન દ્વારા કરેલા છે.

૧૨. શ્રીમતી અનસુયાબેન.એન.દોશી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શ્રીમતી અનસુયાબેન એન દોશી સેવા મંડળ મેઘરજના સંચાલક છે. તેઓ સમાજસેવાના કાર્યો કરે છે. મેઘરજમાં તેઓ છાત્રાલયો ચલાવે છે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસની, રહેવાની, જમવાની અને અન્ય સુવિધાઓ સરકારશ્રીની ગ્રાન્ટથી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત ગાયો માટે ગૌશાળાનું સંચાલન, બાળકો માટે શિશુમંદિર, આદિજાતિ માટે મેડિકલ કેમ્પનું આયોજન, ગરીબ, નિરાધાર, વિધવા, અને અપંગ લોકોને સેવાના કાર્યો, નદીનાળા ઉપર સિંચાઈના કાર્યો, અનાજ વિતરણના કાર્યો, પર્યાવરણની જાળવણીને અનુલક્ષીને થતા કાર્યો વગેરે જેવા સમાજસેવાના કર્યો તેમણે કર્યા છે.

૧૩. શ્રી અશોક એસ.જૈન

બાયડ તાલુકાના જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડના પ્રમુખશ્રી અશોક એસ.જૈનને સેવાકીય ક્ષેત્રમાં પ્રસંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. જય અંબે મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત આશ્રમમાં બિનવારસી હાલતમાં રસ્તા ઉપરની ચોકડી, બસ સ્ટેશન,  રેલ્વે સ્ટેશન પર ભટકતું જીવન વ્યતીત કરી સતત શારીરિક શોષણના ભય વચ્ચે રહેતી બહેનોને આશ્રય આપવામાં આવે છે. હાલ આશ્રમમાં 172 બિનવારસી મનો દિવ્યાંગ બહેનો આશ્રય લઈ રહ્યા છે તેમજ અત્યાર સુધીમાં 204 જેટલા બહેનોને પોતાના પરિવાર સુધી મિલન કરાવવાની સફળતા આશ્રમને મળી છે.

૧૪. શ્રી કિરણભાઈ ખરાડી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા ખાતે ધી રાયપુર ગ્રુપ ખેતી વિષયક વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી કિરણભાઈ ખરાડીને સહકારી (ખેતી) ક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1977માં કુલ 17 ગામોએ મળીને આ મંડળીની સ્થાપના કરી. હાલ મંડળીમાં સભાસદોની સંખ્યા 1458 જેટલી છે. આ મંડળીનો ઉદ્દેશ આદિવાસી સમાજનો વિકાસ કરવાનો છે. રાયપુર મંડળી દ્વારા આદિવાસીઓને ખેતી વિષયક ધિરાણ ઝીરો ટકા વ્યાજે આપવામાં આવે છે.

૧૫. ડોક્ટર ટી.બી.પટેલ

લાયન્સ ક્લબ સોસાયટી સંચાલિત લાયન્સ આઇ.ટી.આઇ ( દિવ્યાગો માટે ) તથા શ્રી વા.હી.ગાંધી બહેરા મૂંગા શાળાના પ્રમુખશ્રી ડોક્ટર ટી બી પટેલને દિવ્યાંગ કલ્યાણ ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1969માં 21 બાળકોથી ભાડાના મકાનમાં શરૂ કરેલી જર્ની આજે આ શાળા પોતાના અધ્યતન સુવિધા સભર મકાનમાં એક થી આઠ ધોરણ સુધીના બાળકોને સાઇન લેંગ્વેજ શીખવાડે છે. હાલ આઈ.ટી.આઈ માં અત્યાર સુધીમાં 1,320 જેટલા બહેરા મૂંગા બાળકો અભ્યાસ કરી ચૂક્યા છે જેમાંથી 600 જેટલા બાળકો પોતાની રોજીરોટી જાતે કમાઈ શકે છે અને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવામાં સફળ થયા છે.

૧૬. શ્રી શારદાબેન.એસ.ભરાડા

અરવલ્લી મહિલા વૃક્ષ ઉછેર સરકારી મંડળીના પ્રમુખ શ્રી શારદાબેન એસ.ભરાડાને પર્યાવરણ ક્ષેત્રમાં કરેલી સિદ્ધિ બદલ આજે સન્માનિત કરવામાં આવ્યા છે. હાલ આ મંડળીમાં 280 સભાસદ છે. મંડળી દ્વારા વૃક્ષ ઉછેરની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવે છે. તેમાં બિનફળાઉ વૃક્ષોનો વધારે સમાવેશ કરી જંગલ વધુ પ્રમાણમાં વિકાસ પામે તેવા પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ 2007માં જાપાનથી ટીમ આવી આ વન મંડળીનું નિરીક્ષણ કર્યું હતું. વર્ષ 2009માં રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે તેમજ વર્ષ 2011માં સિલ્ડ અને પ્રમાણપત્ર પણ મળ્યું છે.

૧૭. શ્રી તારીકભાઈ

મોહસિને આઝમ મિશન મોડાસાના સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી તારીકભાઈને સેવાકીય ક્ષેત્રમાં પ્રસંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સંસ્થા દ્વારા લોકડાઉન ૧ અને લોકડાઉન ૨માં લોકસેવાના આને કો પ્રશંસનીય કામ કરવામાં આવ્યા છે. જનતા કર્ફ્યુના દિવસે મોડાસાની 45 હોસ્પિટલ ના દર્દીઓ અને તેમના સગાઓ મળીને કુલ 1,000 થી વધુ લોકોને ચા નાસ્તો અને રાત્રીનું ભોજન પૂરું પાડ્યું હતું. મિશન દ્વારા ચાલતી અસ્કરી મેડિસિન સર્વિસ દ્વારા ગરીબ લોકોને ફ્રી દવાઓ તેમજ બિલકુલ રાહત દરે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.