Western Times News

Gujarati News

વિવિધ યોજનાના લાભ મેળવનાર પાટણના લાભાર્થીઓ સાથે આરોગ્ય મંત્રી સંવાદ કરશે

કેન્દ્ર સરકારની ૦૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે કાર્યક્રમ

પાટણ,  પાટણ ખાતે આગામી તા.૧૫ જૂનના રોજ કેન્દ્ર સરકારની ૦૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત કાર્યક્રમ યોજાશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી લાભ અને સહાય મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ સાધશે.

આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એમ.સોલંકીની અધ્યક્ષતામાં વહિવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારની યોજનાઓનો સાચા અર્થમાં લાભ લેનાર લાભાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે અને તેમને મળેલ લાભની વાત અન્ય લોકો સુધી પહોંચાડે તે માટે મહત્તમ સંખ્યામાં જોડાય તેવા વધુમાં વધુ પ્રયત્નો કરવા જિલ્લા કલેક્ટરએ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચના આપી હતી.

વર્ષ ૨૦૧૪માં પ્રચંડ બહુમત સાથે દેશના પ્રધાનમંત્રી બનનાર જનનાયકશ્રી નરેન્દ્રભાઈ મોદીના નિણાર્યક નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ૦૮ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ વર્ષો દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા અમલી અનેક યોજનાઓનો લાભ દેશભરના કરોડો લોકો સુધી પહોંચ્યો છે.

ગરીબોના કલ્યાણ અને સેવા સુશાસનની નેમ સાથે અવિરત કાર્ય કરી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા યોજનાકીય લાભ મેળવનાર લાભાર્થીઓ આ વાતની પ્રતિતી દરેક નાગરીકને કરાવી શકે તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સંવાદ કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે પાટણ જિલ્લાના હજારો લાભાર્થીઓ પૈકી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ થકી સહાય મેળવનારા ૧,૦૦૦ જેટલા લાભાર્થીઓ ઉપસ્થિત રહશે. જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ દ્વારા આ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.