વિવિધ વિલેજ કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઇ દર્દીઓને મળનારી સુવિધાઓનું નિરીક્ષણ કરતા મંત્રી બચુભાઇ
દાખલ થનારા દર્દીઓને કોઇ પણ તકલીફ ન પડે એ માટે સંબધિત અધિકારીઓને સૂચનાઓ અપાઈ
દાહોદ: દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને પહોંચી વળવા જનપ્રતિનિધિઓ પણ સક્રિય કામગીરી કરી રહ્યાં છે ત્યારે જિલ્લામાં વિવિધ જગ્યાએ સામાજિક સહયોગથી શરૂ કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરોની રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે આજે મુલાકાત લીધી હતી. તેમણે આ વિવિધ વિલેજ કોવીડ કેર સેન્ટરમાં રૂબરૂ જઇ ત્યાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ ચકાસી હતી. આ ઉપરાંત પીપલોદ ખાતે નવી શરૂ કરવામાં આવેલી માં મલ્ટીસ્પેશ્યાલીટી (કોવીડ તથા નોનકોવીડ) હોસ્પીટલનું પણ ઉદ્ધાટન કરી આરંભ કરાવ્યો હતો.
મંત્રી શ્રી ખાબડે પીપલોદ, લીમખેડા, કાળીયારાઈ, હીરોલા સહિતના ગામ ખાતેના તૈયાર કરવામાં આવેલા વિલેજ કોવીડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં આઇસોલેટ થનારા કોવીડ દર્દીઓને મળનારી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. કોવીડ કેર સેન્ટરમાં દાખલ થનાર એસિમ્ટોમેટીક અથવા માઇલ્ડ લક્ષણ ધરાવતા કોરોનાના દર્દીઓ માટેની દવા, ભોજન, બેડસ સહિતની સુવિધા બાબતે જાતમાહિતી મેળવી હતી. તેમણે અહીં દાખલ થનારા દર્દીઓને કોઇ તકલીફ ન પડે એ માટે સંબધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
અહીં નોંધવું જરૂરી છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજયભરમાં શરૂ થયેલા અભિયાન મારૂં ગામ, કોરોનામુક્ત ગામ અંતર્ગત દાહોદ જિલ્લાના સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. વિશેષ વાત એ છે કે, આરોગ્ય વિભાગ દ્વારા દવાઓની એક ખાસ કીટ બનાવવામાં આવી છે. જે હોમ આઇસોલેટ થનારા દર્દીઓને ઘેર સુધી પહોંચાડવામાં આવે છે.
દાહોદ જિલ્લામાં ૬૯૯ ગામોમાં ૧૪ હજારથી વધુ બેડની સુવિધા સાથે ૭૪૭ જેટલા વિલેજ કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અને કોરોના સંક્રમણને ગ્રામ્ય સ્તરે અટકાવવા માટે ગામની નાકાબંધી સહિતના વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યાં છે.
આ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુર પારેખ, ખાનગી હોસ્પીટલના સંચાલક શ્રી નીલ સોની સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.