વિશાળ અને સુંદર રોડ નેટવર્ક ઉભું કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે : નીતિનભાઈ પટેલ
ડીસાથી લાખણી સુધીના ચાર માર્ગીય રસ્તા અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તર આપતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વિશાળ અને સુંદર રોડ નેટવર્ક ઉભું કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. તબક્કાવાર રાજ્યના ખૂણેખૂણાને સુંદર રસ્તાના આયોજનમાં આવરી લેવામાં આવશે એટલું જ નહીં, ગુજરાતને ફાટક મુક્ત રાજ્ય બનાવવાની દિશામાં લઇ જવા માટે અમારી સરકાર પ્રયત્નશીલ છે અને તે માટે અન્ડરબ્રીજ-ઓવરબ્રીજના કામોને મંજૂરીઓ આપવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
શ્રી પટેલે ઉમેર્યું કે, ડીસાથી લાખણી સુધીના રસ્તાને ચાર માર્ગીય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તે માટે રૂા. ૮૫ કરોડના ખર્ચની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
લાખણી-ડીસા સુધીના ૭ મીટર પહોળા માર્ગને ચાર માર્ગીય બનાવવાથી આસપાસના ગામોના કેટલા નાગરિકોને ફાયદો થશે તે અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ૩ર.૪૦ કિ.મી. લંબાઇ ધરાવતો આ માર્ગ ચાર માર્ગીય બનતા આસપાસના ગામોના અંદાજીત પોણા બે લાખ નાગરિકોને લાભ મળશે.