વિશેષઅધિકારથી સુપ્રીમે છાત્રને IITમાં પ્રવેશ અપાવ્યો

નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલતે આર્ટિકલ ૧૪૨ હેઠળ પ્રાપ્ત પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને એક દલિત વિદ્યાર્થીનું આઈઆઈટી બોમ્બેમાં એડમિશન કરાવ્યું છે. ઉત્તરપ્રદેશનો આ વિદ્યાર્થી ટેકનિકલ ખામીને કારણે અનેકવાર પ્રયાસ કર્યા છતાંય નિયત તારીખ સુધીમાં ફી ના ભરી શકતા સંસ્થા દ્વારા તેને એડમિશન આપવાની મનાઈ કરી દેવાઈ હતી.
જાેકે, મામલો સુપ્રીમમાં પહોંચતા કોર્ટે તેની ગંભીરતા જાેતા ૪૮ કલાકની અંદર તેનું એડમિશન કન્ફર્મ કરવા કહ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, જાે આવા વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો આઈઆઈટીની બેઠકો માત્ર મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા સ્ટૂડન્ટ્સ પૂરતી જ મર્યાદિત રહી જશે.
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને એ.એસ. બોપન્નાએ આ મામલામાં દખલગીરી કરી આઈઆઈટીને દલિત વિદ્યાર્થીને ચાર વર્ષના સિવિલ એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન આપવા આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ ઈન્ટરનેટની પુરતી સુવિધા ના હોવાના કારણે ફી ભરવા ઉપરાંત અન્ય પ્રક્રિયા પૂરી કરવામાં પારાવાર મુશ્કેલી અનુભવે છે.
પરંતુ તેના લીધે તેમને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ના મળી શકે તે બાબત યોગ્ય નથી. આ કેસમાં અલ્હાબાદમાં ભણતા પ્રિન્સ જૈબિર સિંઘ નામના વિદ્યાર્થીએ જેઈઈ એડવાન્સમાં ઓલ ઈન્ડિયામાં ૨૫,૮૬૪મો રેંક પ્રાપ્ત કર્યો હતો, અને એસસી કેટેગરીમાં તેનો રેન્ક ૮૬૪મો હતો.
તેને ૨૭ ઓક્ટોબરના રોજ સિવિલ એન્જિનિયરિંગમાં સીટ એલોટ કરવામાં આવી હતી. આઈઆઈટી બોમ્બેનું પોર્ટલ એડમિશનની પ્રોસેસ પૂરી કરવા અને ફી ચૂકવવા માટે ૩૧ ઓક્ટોબર સુધી ખૂલ્લું હતું. ૨૯ નવેમ્બરે પ્રિન્સે જરુરી દસ્તાવેજાે ઓનલાઈન અપલોડ કરી દીધા હતા.
જાેકે, તે વખતે તેની પાસે પૂરતા પૈસા ના હોવાથી તે ફી નહોતો ભરી શક્યો. આખરે તેણે બહેન પાસેથી પૈસા ઉછીના લઈને ૩૦ ઓક્ટોબરના રોજ ઓનલાઈન ફી ભરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ૧૦-૧૨ વાર ટ્રાય કર્યા બાદ પણ તે ફી નહોતો ચૂકવી શક્યો.
આખરે ૩૧ ઓક્ટોબરે તેણે ફરી પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વખતે પણ તેને સફળતા નહોતી મળી. તેણે આઈઆઈટીમાં અનેકવાર ફોન પણ કરી જાેયા, પરંતુ ત્યાં પણ તેની વાત નહોતી થઈ શકી. આખરે તે ભાડાં માટે પણ પૈસાની વ્યવસ્થા કરીને ખડગપુરમાં આવેલી સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન ઓથોરિટી સમક્ષ પહોંચ્યો હતો.
પરંતુ ત્યાંના અધિકારીઓએ તેને મદદ કરવામાં અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ પ્રિન્સ મુંબઈ પહોંચ્યો હતો, અને તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પરંતુ કોર્ટે આઈઆઈટીને આવો કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચ્યા બાદ હવે પ્રિન્સને ભારે મથામણ બાદ એડમિશન મળી શકશે.SSS