વિશ્વના અનેક દેશોની જેમ ભારતમાં કો-ઈન્ફેકશનના 10 કેસ બહાર આવ્યા

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ જે ઝડપે ઘટી રહ્યા છે તેનાથી ત્રિજી લહેર પણ હવે વિદાય થઈ રહી છે અને નિષ્ણાંતો પણ માને છે કે વાયરસની સાયકલ પુરી થઈ છે અને કોરોના હવે મેડીકલ બુકમાં રહી જશે પણ તે વચ્ચે એક હળવી ચિંતા જેવા સમાચાર છે અને તે વધુ ગંભીર બની શકે છે.
ભારતમાં કોરોનાના નવા કેસોમાં હવે ડેલ્ટા અને ઓમીક્રોન બન્નેમાં લક્ષણો એક જ દર્દીમાં જોવા મળ્યા છે. મતલબ કે જે તે વ્યક્તિનો શરીરમાં જે વાયરસનું સંક્રમણ જોવા મળ્યું તેમાં બન્ને વેરીએન્ટની હાજરી જોવા મળી હતી.
કેટલાક કેસોમાં સ્ટ્રેઈન નિશ્ચિત ન થતા તેનું વધુ લેબ. વિશ્ર્લેષણ થયું હતું અને તેનાથી ખ્યાલ આવ્યો કે તેમાં ડેલ્ટા અને ઓમીક્રોનના વેરીએન્ટ બન્ને મૌજૂદ છે. જો કે હજું 10 કેસોમાં આ પ્રકારે બન્ને વેરીએન્ટની હાજરી જોવા મળી હતી. આ પ્લેટફોર્મ પર દર સપ્તાહે 10000 જેટલા સેમ્પલની ચકાસણી કોરોના પીક સમયે થતી હતી.
દેશમાં જીનોમ સિકવન્સ સમયે આ પ્રકારે મીકસ વાયરસના ઈન્ફેકશનના કેસ મળતા હવે તેના પર વધુ અભ્યાસ થશે. જીનોમ સિકવન્સ અંગેના એક પ્લેટફોર્મ ‘ઈન્સાકોગ’ ની બેઠકમાં આ ઘટસ્ફોટ થયા છે. અત્યાર સુધી આ પ્રકારનું કો-ઈન્ફેકશન એટલે કે બે વેરીએન્ટનું સંયુક્ત સંક્રમણ એ વિદેશમાં જોવા મળ્યું હતું પણ હવે ભારતમાં પણ તેના કેસ નોંધાયા છે.
આ પ્લેટફોર્મ દેશમાં કોરોના સંક્રમણ કાળથી વાયરસમાં જે અપડેટ થાય છે અને નવા વેરીએન્ટ આવે છે તેના પર નજીકની નજર રાખે છે અને વિશ્લેષણ કરે છે.
હવે તેમાં કેસની સંખ્યા મુજબ 10% આસપાસ સેન્ટ્રલ ચકાસાય છે અને ખાસ કરીને વાયરસ કઈ રીતે વર્તન કરે છે તે નોંધ રખાય છે અને તબીબી નિષ્ણાંતોને આ તારણ પુરા પાડવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ અગાઉ ચેતવણી આપી હતી કે વાયરસના બે વેરીએન્ટ એક સાથે સંક્રમણ કરી શકે છે.