વિશ્વના બધા પુખ્તોને રસી મૂકવા ૫૦ અબજ ડોલરની જરૂર પડશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona2-6.jpg)
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોનાના રોગચાળાને ખતમ કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટેરી ફંડ(આઈએમએફ)દ્વારા એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
જેમાં વેક્સીનેશન પર ભાર મુકવામાં આવ્યો છે.સંસ્થાનુ કહેવુ છે કે, આગામી વર્ષના મધ્ય સુધીમાં દુનિયાના તમામ પુખ્તવયના લોકોને રસી મુકવી હશે તો લગભગ ૫૦ અબજ ડોલરની જરુર પડશે. આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ તેમજ તેમના સહયોગી રુચિર અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલા પ્લાનનુ લક્ષ્ય ૨૦૨૧માં તમામ દેશોના ૪૦ ટકા લોકોને કોરોનાની રસી મુકવાનુ અને બાકીના ૬૦ ટકા લોકોને ૨૦૨૨ના પહેલા ૬ મહિના સુધીમાં રસી મુકવાનુ છે.
આઈએમએફનું કહેવુ છે કે, જીવન બચાવવા અને રોજગારી બચાવવા માટે કોઈ બહાનું કે ખુલાસાની જરુર હોવી જાેઈએ નહીં. જાે આ રોગચાળો વહેલો ખતમ થશે તો આર્થિક મોરચે રાહત થશે અને ૨૦૨૫ સુધીમાં વિશ્વની ઈકનોમીમાં ૯ ટ્રિલયન ડોલર ફરતા થશે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે, તમામ લોકોને રસી મુકવા માટે પચાસ અબજ ડોલરની જરુર પડે તેમ છે પણ આ એક ઈન્વેસ્ટેમેન્ટ છે જે આર્થિક મોરચે ફાયદાકારક પૂરવાર થશે. ઓછામાં ઓછા ૩૫ અબજ ડોલરની જરુર રસીની ગ્રાંટ આપવા માટે જરુર છે. બીજી તરફ જી ૨૦ દેશોએ પહેલા જ ૨૨ અબજ ડોલર આપવા માટે તૈયારી બતાવી છે અને તેમાં બીજા ૧૩ અબજ ડોલરની જરુર છે. બાકીના ૧૫ અબજ ડોલર બીજેથી એકઠા કરી શકાય તેમ છે.
આ પ્લાનના ભાગરુપે ગ્રાંટમાંથી વિકાસશીલ દેશોને વેક્સીન ખરીદવામાં અને જે વેક્સીન પ્રોડક્શન કેપિસિટી હાલમાં ઉપયોગમાં નથી લેવાથી તેને ફરી કાર્યરત કરવામાં આવશે.
કોરોનાના કારણે દુનિયામાં ૩૪ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા છે અને રસીના સૌથી મોટા ઉત્પાદક હોવા છતા ભારત જેવા દેશને પણ રસી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.