વિશ્વના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના જ ૨૨નો સમાવેશ
નવીદિલ્હી: ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવાના કારણે દિલ્હીના પ્રદૂષણમાં થોડો ઘટાડો અવશ્ય થયો છે તેમ છતાં દિલ્હી દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. આજે જાહેર કરાયેલા વર્લ્ડ એર ક્વાલિટી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર દિલ્હીની વાયુ ગુણવત્તા ૨૦૧૯થી ૨૦૨૦ની તુલનામાં ૧૫ ટકા સુધરી છે. તેમ છતાં દિલ્હી દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ૧૦મા સ્થાને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઇ છે. ૨૦૨૦માં ભારતીય શહેરોની વાયુ ગુણવત્તામાં ૬૩ ટકાનો સુધારો નોંધવામાં આવ્યો.
રિપોર્ટમાં પીએમ-૨.૫ના આધારે દેશો, રાજધાનીઓ તથા શહેરોને રેન્કિંગ આપવામાં આવી છે. ત્રણ સર્વાધિક પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારત છે જ્યારે કે ત્રણ સર્વાધિક પ્રદૂષિત રાજધાનીઓમાં દિલ્હી, ઢાકા અને ઉલાનબટોર છે. દિલ્હીમાં પીએમ ૨.૫ની વાર્ષિક સરેરાશ ૮૪.૧ માઇક્રોમગ્રામ પ્રતિ ક્યુબિક મીટર જાેવા મળી જ્યારે કે ઢાકા અને મંગોલિયાી રાજધાની ઉલાનબટોરમાં આ ક્રમશ ૭૭.૧ તથા ૪૬.૬ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર નોંધવામાં આવી.
આ જ રીતે ભારતના ત્રણ સર્વાધિક પ્રદૂષિત મહાનગરોમાં દિલ્હી, મુંબઇ તથા બેંગલુરૂ છે. વિશ્વના ૩૦ સર્વાધિક પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના જે ૨૨ શહેરોનો સમાવેશ કરાયો છે તેમાં ગાઝિયાબાદ, બુલંદશહેર, બિસરખ, ભિવાડી, નોએડા, ગ્રેટર નોએડા, કાનપુર, લખનૌ, દિલ્હી, ફરીદાબાદ, મેરઠ, જીંદ, હિસાર, આગ્રા, બહાવલપુર, મુઝફ્ફરનગર, ફતેહાબાદ, બંધવાડી, ગુરૂગ્રામ, યમુનાનગર રોહતક, મુઝફ્ફરપુરના નામ છે.