Western Times News

Gujarati News

વિશ્વના 60 દેશને હરાવી વડોદરાની વેધશાળાએ 3 એસ્ટ્રોનોટની સહી હોય એવું ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ જીત્યું

વડોદરા, વિશ્વના 60 દેશની 100થી વધુ વેધશાળાઓ વચ્ચે યોજાયેલી ‘100 અવર્સ ઓફ એસ્ટ્રોનોમી’ની સ્પર્ધામાં 10 દેશની વેધશાળાઓની વિશેષ ટેલિસ્કોપની ભેટ માટે પસંદગી થઈ છે, જેમાં ભારતની એકમાત્ર વડોદરાની ગુરુદેવ વેધશાળાનો સમાવેશ થાય છે.

આ ટેલિસ્કોપ પર ત્રણ અવકાશયાત્રી (એસ્ટ્રોનોટ્સ) અને એક નોબેલ પ્રાઇઝ વિજેતાઓની સહી છે. કોઈ ટેલિસ્કોપ પર આવા ચાર મહાન લોકોની સહી હોય એવું આ ભારતનું એકમાત્ર ટેલિસ્કોપ હશે.

ફ્રાન્સની ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)દ્વારા ગત ઓક્ટોબર 2021માં ‘100 અવર્સ ઓફ ઓસ્ટ્રોનોમી’ નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે વેધશાળાઓ અવકાશક્ષેત્રે દર વર્ષે 100 કલાક સંશોધન કરતી હોય અને અવકાશ વિશે લોકોને માહિતગાર પણ કરતી હોય, તેમને ભાગ લેવા માટે તેમની કામગીરી રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

એમાં વિશ્વના 60 દેશની 100થી વધુ વેધશાળાઓ સામેલ થઇ હતી. આ તમામમાંથી પણ શ્રેષ્ઠ કામગીરી કરતી માત્ર 10 વેધશાળાઓને પસંદ કરાઇ હતી. એમાં વડોદરાની ગુરુદેવ વેધશાળાનો સમાવેશ થયો છે, એટલે કે વિશ્વના 60 દેશમાંથી ગુજરાતની આ વેધશાળાએ દેશની સાથે વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

વર્ષ 2009માં અવકાશનાં સંશોધનો માટે ગુરુદેવ વેધશાળાની શરૂઆત કરનાર વડોદરાના દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે 60 દેશની ટોપ 10 વેધશાળાને અવકાશનું રિસર્ચ કરવા માટે એક ટેલિસ્કોપ આપવામાં આવ્યું છે, જેની ખાસ વિશેષતા એ છે કે તેના પર ત્રણ એસ્ટ્રોનોટ્સ અને એક નોબેલ પ્રાઇઝ વિજેતાની સહી છે.

ભારતમાં કદાચ આ પ્રથમ એવું ટેલિસ્કોપ હશે, જેના પર એસ્ટ્રોનોટ્સ અને નોબેલ વિજેતાની સહી હોય. ભારતની એકમાત્ર વડોદરાની ગુરુદેવ વેધશાળાની વિશેષ ટેલિસ્કોપની ભેટ માટે પસંદગી થઇ એ આપણા સૌ માટે ગર્વની વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.