વિશ્વની ટોપ ૨૦ ડેરીમાં અમૂલે સ્થાન મેળવી લીધું
ગાંધીનગર: રાજ્ય અને દેશના ઘર ઘરમાં પોતાની જગ્યા બનાવી ચૂકેલા અમૂલે વિશ્વમાં પણ પોતાની ઓળખ મજબૂત કરવામાં સફળતા મેળવી લીધી છે. ૧૯૪૬માં ગુજરાતનાં ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળે તે માટે શરૂ કરવામાં આવેલો આ પ્રયાસ આજે દુનિયાની ટોપ ૨૦ ડેરી બ્રાંડમાં સામેલ થઇ ગયો છે. રોબોબેંકની દુનિયાભરની સૌથી મોટી ૨૦ ડેરીની કંપનીઓમાં અમૂલને ૧૬મા સ્થાન સાથે એન્ટ્રી મારી છે. આ યાદી ૨૦૧૯નાં ટર્નઓવરનાં આંકડાઓ પર આધારિત છે.
આ ખિતાબ બાદ અમૂલે ગુજરાતના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ પણ ટિ્વટ કરીને અભિનંદન આપ્યા છે.
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે અમૂલ બ્રાંડને મેનેજ કરે છે, ૫.૫ અરબ કરોડ ડોલરનાં ડેરી ટર્નઓવરની સાથે લિસ્ટમાં ૧૬માં સ્થાન પર છે. લિસ્ટમાં પહેલુ સ્થાન સ્વિટ્ઝરલેંડની નેસ્લેનું છે. નેસ્ટલેનું ટર્નઓવર ૨૨.૧ અરબ ડોલર છે. જ્યારે ફ્રાંસની ૨૧ અરબ ડોલરનાં ટર્નઓવરની સાથે બીજા અને ડેરી ફાર્મર ઓફ અમેરિકા ૨૦ અરબ ડોલરનાં ટર્નઓવરની સાથે ત્રીજા સ્થાન પર છે.
આખી લિસ્ટમાં ફ્રાંસની સૌથી વધુ ૩ કંપની છે જ્યારે અમેરિકાની ૩, ચીન, નેધરલેન્ડ, કેનેડાની ૨ -૨ કંપનીઓ સામેલ છે. આ અંગે અમૂલ દ્વારા પણ ટિ્વટ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુલનાં કારણે અનેક પશુપાલકો ન માત્ર પગભર થયા છે, પરંતુ શ્વેતક્રાંતિના કારણે તેઓ આર્થિક રીતે પણ મજબુત બન્યા છે. અમુલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ અમારી જ નહી પરંતુ લાખો પશુપાલકોને મળેલું ગૌરવ છે. જેમના થકી આજે અમુલ ઉજળું છે. આ અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરીને લાખો પશુપાલકો અને અમૂલને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની ૨૦ ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન ૧૬મા ક્રમે છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. ગુજરાતના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.