વિશ્વની બીજા નંબરની સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ
અમદાવાદ: સરદારધામ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ ૨૦૨૦નો તા.૩જી જાન્યુઆરીથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારે ભવ્યતા સાથે પ્રારંભ થયો છે ત્યારે તે પહેલાં સવારે ૮-૩૦ વાગ્યે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદાર ધામ ખાતે વિશ્વની બીજા નંબરની સરદાર પટેલની ૫૦ ફુટની ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું.
આ પ્રસંગે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ તા.૫મી જાન્યુઆરીએ એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં ૬૦,૦૦૦ જેટલી પ્રિ-રજિસ્ટર્ડ બી ટુ બી મીટીંગ્સના આયોજનથી એક નવો વિક્રમી રેકોર્ડ સર્જવા જઈ રહ્યું છે. આ વખતના સમીટમાં અનેક વિક્રમો સર્જાશે. તા.૫ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ યોજવા માટે ખુબ જ તડામાર તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.
આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં ૭,૦૦,૦૦૦ થી વધુ મુલાકાતીઓ આવવાની શકયતા છે., જે પણ એક વિક્રમ હશે એમ અત્રે સરદારધામના પ્રમુખ ગગજી સુતરીયા અને મહામંત્રી જશવંત પટેલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૩જી જાન્યુઆરીએ સરદાર ધામ ખાતે સરદાર સાહેબની વિશ્વની બીજા નંબરની ૫૦ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટના હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગરના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપÂસ્થતિમાં ૧૦૦૦ પ્રદર્શકો દ્વારા ૧૦૦૦-ફુટ લાંબી રિબન કાપી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, જેને લઇ એક વિશેષ રિબન-કટીંગ સમારોહનું આયોજન કરાયુ છે, જે પણ એક રેકોર્ડ હશે.
સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરવા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના નિર્ધાર સાથે આ સમીટનું આયોજન કરાયું છે. નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક અને વૈશ્વિક જોડાણોની સુવિધા માટે સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટનું બીજું રસપ્રદ વિશેષતા સ્ટાર્ટ-અપ પેવેલિયન હશે, જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા માટે એક અદ્વિતીય તક પુરી પાડશે. સ્ટાર્ટ-અપ પેવેલિયન દ્વારા પસંદ પામેલ ૫૦ બિઝનેસ મોડેલ્સનું રૂ. ૪૦૦ કરોડ જેટલું ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરવામાં આવશે.