વિશ્વની મોંઘી કોફી સિવેટ બિલાડીના મળથી બને છે
સિવેટ બિલાડીને કોફી બીન્સ ખાવા ગમે છે, કોફીની ચેરીને તે અધકચરી ખાઈ જાય છે, આ બિલાડીની પ્રજાતિ ખૂબ ઓછી
નવી દિલ્હી: ઘણા લોકોને કોફી ખૂબ જ પસંદ હોય છે અને કોફીના નવા નવા સ્વાદ માટે સમગ્ર દુનિયામાં ફરે છે. શું તમને ખબર છે કે સૌથી મોંઘી કોફી કઈ છે અને તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? આ સૌથી મોંઘી કોફીનું નામ છે કોપી લુવાક. આ કોફીનો એક કપ અમેરિકામાં રૂ. ૬૦૦૦માં મળે છે. આ કોફી એશિયાઈ દેશો સહિત દક્ષિણ ભારતમાં બનાવવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત છે કે આ કોફી બિલાડીના મળમાંથી તૈયાર કરવામાં આવે છે.
આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી તૈયાર કરવામાં આવતી હોવાથી તેને સિવેટ કોફી પણ કહે છે. આ બિલાડીને વાંદરાની જેમ લાંબી પૂછડી હોય છે. ઈકોસિસ્ટમ જાળવવામાં આ બિલાડી મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તમને સવાલ થતો હશે કે બિલાડીના મળમાંથી કોફી તૈયાર કેવી રીતે કરાતી હશે? આ સવાલ દરેક વ્યક્તિના મનમાં થાય છે. આ કોફી અંગેના તમારા સવાલના જવાબ અહીં આપવામાં આવ્યા છે. સિવેટ બિલાડીને કોફી બીન્સ ખાવા ખૂબ જ ગમે છે. કોફીની ચેરીને તે અધકચરી જ ખાઈ જાય છે. ચેરીનો ગર તો પચી જાય છે, પરંતુ બિલાડીના આંતરડામાં પાચક એન્ઝાઈમ ન હોવાના કારણે બિલાડી તેને આખી પચાવી શકતી નથી. યોગ્ય રીતે પાચન ન થવાને કારણે બિલાડીના મળમાં તે પાચન ન થયેલો ભાગ પણ નીકળે છે. પાચનના થયેલા કોફી બીન્સને મળમાંથી કાઢીને તેને શુદ્ધ કરવામાં આવે છે
તેમાં રહેલ જર્મ્સને દૂર કરવામાં આવે છે. તે બીન્સને ધોઈને તેનો ભૂક્કો કરવામાં આવે છે અને કોફી તૈયાર કરવામાં આવે છે. તમને કદાચ સવાલ થતો હશે કે બીન્સને કોફીના મળમાંથી શા માટે લેવામા આવે છે? કોફી ડાયરેક્ટ પણ બનાવી શકાય છે. બિલાડીના શરીરમાં બીન્સ આંતરડામાંથી પસાર થયા બાદ પાચક એન્ઝાઈમ સાથે મળીને આ કોફીને વધુ સારી બનાવે છે અને પૌષ્ટિકતા વધારે છે. નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોફી બીન્સ બિલાડીના આંતરડામાંથી પસાર થયા બાદ બીન્સમાં રહેલ પ્રોટીનની રચનામાં બદલાવ થાય છે.
કોફીથી એસિડીટી પણ દૂર થાય છે અને ખૂબ જ સારી કોફી બને છે. આ કોફીને સામાન્ય લોકોની નહીં, પરંતુ અમીરોની કોફી કહેવામાં આવે છે. ભારતમાં કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આ કોફી બનાવવામાં આવે છે. એશિયામાં ઇન્ડોનેશિયામાં સૌથી વધુ આ કોફી બનાવવામાં આવે છે. ઇન્ડોનેશિયા ટુરિસ્ટ નેશન બની રહ્યું છે, આ દેશમાં જંગલી બિલાડીઓની સિવેટ પ્રજાતિને આ કોફીના ઉત્પાદનની પ્રક્રિયા માટે કેદ કરવામાં આવે છે. કોફી બીન્સ તૈયાર કરવાની આ પ્રક્રિયા કોફીના બગીચાની આસપાસ થાય છે અને સહેલાણીઓને તે જગ્યા પર ફરવા માટે પણ લઈ જવામાં આવે છે. ઇન્ડોનેશિયાનો ઉદ્દેશ્ય માત્ર કોફીનું ઉત્પાદન વધારવાનો નહીં, પરંતુ ટુરિઝમને પણ વધારવાનો પણ છે.
એનિમલ રાઈટ્સ પર કામ કરતી સંસ્થાઓએ તેના પર આપત્તિ જાહેર કરી છે. લંડનની સંસ્થા એનિમલ પ્રોટેક્શન્સે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોફીના ૧૬ બગીચાઓમાં અનેક સિવેટ બિલાડીઓને કેદ કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દો બહાર આવ્યો હતો અને એનિમલ વેરફેર નામની પત્રિકામાં છાપવામાં આવ્યો હતો કે, આપણે સ્વાદ માટે મૂંગા પશુઓ પર હિંસા કરી રહ્યા છીએ.