વિશ્વનો સૌથી મોટો ૨૭.૨૭ કેરેટનો લેબગ્રોન ડાયમંડ બનાવી સર્જ્યો વિક્રમ
સુરત, ડાયમંડ સિટી સુરતના હીરાની ચમક વિશ્વભરમાં ફેલાઈ છે. શહેરના હીરા ઉત્પાદકે દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ બનાવ્યો છે.
૨૭.૨૭ કેરેટના સૌથી મોટા મારક્વિઝ સ્ટેપ કટ હીરાનું નામ ઓમ છે. ગ્લોબલ ડાયમંડ સર્ટિફિકેશન ઓર્ગેનાઈઝેશન ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા ઓમને પ્રમાણિત કરવામાં આવ્યો છે. સુરતના ગ્રીનલેબ ડાયમંડ્સના ભાગીદાર સ્મિત પટેલે કહ્યું, અમે દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ તૈયાર કર્યો છે.
અગાઉ ચીને ૧૬ કેરેટનો હીરો ઉત્પાદિત કર્યો હતો અને અમે તેમનો રેકોર્ડ તોડ્યો છે. ગ્રીનલેબ ડાયમંડ્સના ૨૭.૨૭ કેરેટના હીરા ઉપરાંત ૨૦.૨૪ કેરેટ અને ૧૫.૧૬ કેરેટના અન્ય બે હીરાને પણ ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે.
નમઃ નામનો હીરો પિઅર રોઝ કટ છે જ્યારે શિવાય નામનો હીરો એમરલ્ડ કટ છે. આ ત્રણ લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને ગ્રીનલેબ ડાયમંડ્સે ચીનને પાછળ છોડીને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ સૌરઊર્જાથી તૈયાર કર્યો હોવાથી તે ગ્રીન ડાયમંડ હોવાનો દાવો ઉત્પાદકે કર્યો છે. મતલબ કે, કંપનીની પ્રયોગશાળામાં સૌરઊર્જાથી વીજળી ઉત્પાદિત થાય છે.
સ્મિત પટેલે જણાવ્યું, અમે લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ સૌરઊર્જાથી તૈયાર કર્યા છે. જંબુસરમાં ૯૦ એકર જમીનમાં વીજળી ઉત્પાદિત કરવાનો અમારો પોતાનો ૨૫ મેગાવોટનો પ્લાન્ટ છે.”
અહીં ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ જેમોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટના જણાવ્યા અનુસાર આ હીરો રાસાયણિક વરાળ ડિપોઝિશનનો ઉપયોગ કરીને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. હીરાના યૂનિક ફીચર્સ અને સાઈઝના કારણે તેની ચોક્કસ કિંમત નક્કી નથી કરી શકાઈ.
જમીનમાંથી ખોદીને કાઢવામાં આવતાં હીરાની સરખામણીમાં લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ૧૦ ટકા સસ્તી કિંમતે ખરીદી શકાય છે માટે જ અમે તેને પોસાય તેવી મોજશોખની વસ્તુ કહીએ છીએ”, તેમ સ્મિત પટેલે ઉમેર્યું.SS1MS