Western Times News

Gujarati News

વિશ્વભરમાં કોરોનાનો અજગરી ભરડોઃ સતત ત્રીજા દિવસે ૧૦ લાખથી વધુ કેસ

નવીદિલ્હી, દુનિયામાં ફરી એક વખત કોરોના મહામારીએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરના દેશોમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપમાં કોરોનાના કેસમાં વિક્રમી ઊછાળો આવ્યો છે.

અમેરિકામાં એક દિવસમાં કોરોનાના ૪.૬૫ લાખ કેસ નોંધાયા છે અને વધુ ૧,૭૭૭નાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, સ્પેનમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ એક લાખથી ઉપર નોંધાયા છે. આમ દુનિયામાં સતત બીજા દિવસે ૨૪ કલાકમાં કોરોનાના ૧૦ લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે વધુ ૬,૦૦૦થી વધારે કોરોના દર્દીનાં મોત નીપજ્યાં છે.

દુનિયામાં કોરોના મહામારી પર નજર રાખી રહેલી વર્લ્‌ડઓમીટર વેબસાઈટ દ્વારા એકત્ર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં એક દિવસમાં કોરોનાના નવા ૪,૬૫,૬૭૦ કેસ નોંધાયા હતા અને વધુ ૧,૭૭૭નાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૫,૪૬,૫૬,૮૬૬ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૮,૪૪,૨૭૨ થયો હતો.

અમેરિકામાં અત્યંત ઝડપથી ફેલાતા ઓમિક્રોનના કારણે ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણીઓ ફિક્કી થઈ ગઈ હતી. અમેરિકાના ટોચના ડો. એન્થોની ફૌસીએ દેશવાસીઓને નવા વર્ષની ઊજવણી કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે ઉમેર્યું કે, અમેરિકામાં જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની પીક આવશે.

બ્રિટનમાં પણ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ વિક્રમી સ્તરે નોંધાયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સને લોકોને સાવધાનીપૂર્વક નવા વર્ષની ઊજવણી કરવા અપીલ કરી છે. હજુ પણ હોસ્પિટલોમાં અનેક હેલ્થ વોરિયર્સને બૂસ્ટર ડોઝ મૂકાયા નથી, જે ચિંતાજનક બાબત છે. બ્રિટનમાં કોરોનાના કુલ કેસ ૧,૨૫,૫૯,૯૨૬ નોંધાયા હતા જ્યારે મૃત્યુઆંક ૧,૪૮,૦૮૯ થયો હતો.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ કેસ વધતા માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવાયું છે અને માસ્ક નહીં પહેરનારને ૧૩૫ યુરોનો દંડ કરાયો છે. રશિયામાં કોરોનાના નવા ૨૧,૦૭૩ કેસ નોંધાયા છે અને વધુ ૯૨૬નાં મોત નીપજ્યાં છે. આ સાથે રશિયામાં કુલ કેસ ૧,૦૪,૭૯,૩૪૪ થયા છે જ્યારે મૃત્યુઆંક ૩,૦૭,૯૪૮ થયો છે.

સાઉદી અરબમાં પણ કોરોનાના કેસ વધતા વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. પરિણામે સરકારે મુસ્લિમો માટે પવિત્ર મક્કા મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સના નિયંત્રણો લાગુ કર્યા છે. બીજીબાજુ ચીનમાં પણ કેસ વધતાં ૧.૩ કરોડની વસતી ધરાવતા શિઆનમાં આકરું લોકડાઉન લાગુ કરી દીધું છે. પરિણામે શહેરીજનો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.