વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ સમારોહ યોજાયો

ગુજરાત ઉત્તમથી સર્વોત્તમની સાથે-સાથે વિશ્વમાં વર્લ્ડ ક્લાસ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે : મુખ્યમંત્રી
- આ ભવ્ય મંદિરના નિર્માણ થકી પાટીદાર સમાજ દરેક વર્ગના લોકો માટે કામ કરનારો સમાજ બન્યો છે
- ઉમિયા મંદિરના નિર્માણ થવાથી ગુજરાતના પવિત્ર યાત્રાધામમાં નવા યાત્રાધામનો પણ સમાવેશ થયો છે
- તમામ સમાજના લોકોએ સમરસતા દાખવીને આ ધાર્મિક સ્થાન માટે દાન આપવા આગળ આવવું જોઈએ
- મોટેરા સ્ટડિયમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઉમિયાધામ જેવા ધાર્મિક સ્થાનને કારણે આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વધુ વેગ મળશે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, વિશ્વનું સૌથી ઉચું ઉમિયા મંદિરનું ગુજરાતમાં નિર્માણ થવા જઇ રહી છે, ત્યારે ગુજરાત ઉત્તમથી સર્વોત્તમની સાથે સાથે વિશ્વમાં વર્લ્ડ ક્લાસ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ ભવ્ય મંદિરના નિર્માણની સાથે-સાથે સમાજના વિકાસ માટે પણ સામાજિક પ્રોજેક્ટ ઊભા કરીને નવા ભારતના નિર્માણમાં મોટો ફાળો આપવાનું કામ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તે દેશ માટે ગૌરવી વાત છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, પાટીદાર સમાજ ભવ્ય મંદિરના નિર્માણ થકી સમાજના દરેક વર્ગના લોકો માટે કામ કરનારો સમાજ બન્યો છે. ત્યારે તમામ દરેક સમાજના લોકોએ સમરસતા દાખવીને આ ધાર્મિક સ્થાન માટે દાન આપવા આગળ આવવું જોઈએ અને એક જૂથ થવું જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય દેશ-વિદેશમાં ધણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યું છે, ત્યારે વિશ્વનું સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઉમિયાધામ જેવા ધાર્મિક સ્થાનને કારણે આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને પણ વધુ વેગ મળશે.
આ સાથે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં ભવ્ય ઉમિયા મંદિરના નિર્માણ થવાથી ગુજરાતના પવિત્ર યાત્રાધામમાં નવા યાત્રાધામનો પણ સમાવેશ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ સંતો અને મહંતોના આશીર્વાદ પણ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશ્વ ઉમિયાધામ સુવેનિયર પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના પરમ પૂજય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર, બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય શ્રી ડોક્ટર સ્વામી, અખિલ ભારતીય રાષ્ટ્રીય સંત સમિતિ સારસાના અધ્યક્ષશ્રી પરમ પૂજ્ય આચાર્યશ્રી અવિચલદાસજી મહારાજ તેમજ સંત અને મંહતો ઉમિયાધામના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ, ઉમિયાધામના ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.