વિશ્વ ચકલી દિન નિમિત્તે હેપ્પી યુથ ક્લબ ગાંધીનગરમાં “હેપ્પી સ્પેરો વીક-૨૦૨૨” ઉજવશે
(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરમાં પણ સતત પાંચમા વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન કરવામાં આવ્યું છે. હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ તા. ૧૯મી માર્ચથી થશે જે તા.૨૭મી માર્ચ સુધી ઉજવાશે જેમાં શહેરમાં આશરે ૫ હજાર કરતા વધુ હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં તથા જાહેર સ્થળો ખાતે સમગ્ર ઉનાળામાં નિયમિત જળ સિંચન થાય તેવી વ્યવસ્થા સાથે માટીના કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરાશે. શહેરની કેટલીક પ્રાથમિક શાળાના બાળકોને વિના મૂલ્યે નકામા ખોખા કે પુંઠાના બોક્સમાંથી ચકલી ઘર બનાવવાવનું શિખવાડવામાં આવશે
જેનો ઉદ્દેશ બાળકોને વૃક્ષો અને ચકલી જેવા પક્ષીઓના યોગદાન અંગે સમજ આપી બાળકોમાં પર્યાવરણના જતનની ભાવના કેળવાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.
“હેપ્પી સ્પેરો વીક”ના પ્રોજેકટ કો-ઓર્ડિનેટર રાજુભાઇ મકવાણાએ જણાવ્યુ છે કે “આશરે ૧૦ વર્ષ પૂર્વે તેમના ઘરે માળો બનાવવા કાર્યરત એક ચકલી અકસ્માતે પંખામાં આવી જતાં કરૂણ મોતને ભેટી હતી. આ ઘટનાએ મારા હ્રદયને હચમચાવી મૂક્યું હતું
ત્યારથી મે નક્કી કર્યું હતું કે હું ચકલી સહિતના નાના પંખીઓના સલામત વસવાટ માટે મારાથી બનતા પ્રયત્નો કરીશ અને ત્યારથી હું દર વર્ષે વિશ્વ ચકલી દિવસે “ચકલી-ઘર”નું વિના મૂલ્યે વિતરણ કરું છુ. છેલ્લા પાંચ વર્ષથી હું હેપ્પી યૂથ ક્લબ સાથે જાેડાઈને આ કાર્ય કરું છુ જેમાં અમે આખું “હેપ્પી સ્પેરો વીક” ઉજવીએ છીએ.