વિશ્વ દિવ્યાંગ દિને વડતાલ ધામના આંગણે યોજાયો દિવ્યાંગજનોની સેવાનો યજ્ઞ
‘‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર” કાર્યક્રમ થકી માનવતાના મૂલ્યોને જીવંત રાખવાનું અભિનવ કાર્ય થયું છેઃ રાજયપાલ
(માહિતી) નડિયાદ, વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં ‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, સર્વજન હિતાય માટેનું કાર્ય થઈ રહયું છે. આ સંપ્રદાયના સંતો જળ સંરક્ષણ, ગૌ માતાની સેવા, શિક્ષણ માટે ગુરૂકુળની સ્થાપના સહિતના અનેકવિધ સેવા પ્રકલ્પો દ્વારા સમાજની સેવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહયા છે.
તેમણે વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગજનોને ‘‘દિવ્યાંગ’’ થી ‘‘સર્વાંગ” બનાવવા માટે યોજાયેલા ‘‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર’ કાર્યક્રમનો ઉલ્લેખ કરી માનવતાની આનાથી બીજી કોઈ જ મોટી સેવા હોઈ ન શકે, આજે માનવતાના મૂલ્યોને જીવંત રાખવાનું અભિનવ કાર્ય થયું છે,
તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, આ સેવા કાર્ય દ્વારા સંતોએ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. અન્યોના દુઃખ – દર્દને સમજી તેને દૂર કરવાનું કાર્ય અહિંના સંતોએ કર્યું છે. આ ચિંતન જ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ રહયું છે. રાજયપાલશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આપણે સૌએ પ્રકૃતિનું દોહન – શોષણ કર્યું છે,
જેના કારણે આજે જળ – વાયુ પ્રદુષણ વધ્યું છે, તેવા સમયે આપણે સૌ માનવ કલ્યાણના વિવિધ પ્રકલ્પોની સાથે પ્રાકૃતિક ખેતીના કાર્યને પણ અગ્રીમતા આપી સમગ્ર વિશ્વ સમક્ષ ઉભા થયેલા ગ્લોબલ વોર્મિંગના સંકટ સામે લડવું પડશે.
લોકડાઉનના સમયમાં હવા અને પાણી શુધ્ધ બનતાં તે સમયે આપણને પ્રકૃતિ તેના મૂળ સ્વરૂપમાં જાેવા મળી હતી. તેમ જણાવી રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી – આહારને જીવન વ્યવહારમાં વણી લઈ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી જમીન – પાણીને વિનાશથી બચાવીને માનવજાતના આરોગ્યના જતનના કાર્યમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સમાજ સેવાના કાર્યની સાથે પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના કાર્યના વાહક બનવા પણ આહવાન કર્યું હતુ.
આ પ્રસંગે પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વચનો પાઠવતાં જણાવ્યું હતુ કે, વડતાલ ધામ દ્વારા દિવ્યાંગજનો માટે ઉચ્ચ પ્રકારની સેવા સાથે માનવ કલ્યાણનું કાર્ય થયું છે. જેના થકી દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન જીવી આર્ત્મનિભર બનશે તેમણે શ્રી સહજાનંદ સ્વામીની સમાજ સેવાને આ સંપ્રદાય અનુસરી રહયો હોવાનું પણ જણાવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સ્વામી સર્વશ્રી નૌતમ સ્વામી, દેવપ્રકાશ સ્વામી, માધવપ્રિયદાસજી અને જ્ઞાનજીવન સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. અંતમાં સંત સ્વામીએ આભાર દર્શન કર્યું હતુ.
આ તકે રાજ્યપાલશ્રી તેમજ સંતો – મહંતો અને મહાનુભાવોના હસ્તે ૨૨ જેટલા દિવ્યાંગજનોનું ‘ભારત દિવ્યાંગ રત્ન’ એવોર્ડ – સન્માનપત્ર આપી સન્માન કરાયું હતુ. જયારે દાતાશ્રી શૈલેષભાઈ પટેલને શાલ ઓઢાડીને રાજયપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે ‘હાથ ઝાલ્યો તો લીધા ઉગારી’ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર’ કાર્યક્રમના માધ્યમ દ્વારા એકસાથે એક જ સ્થળેથી ૭૦૦ જેટલા દિવ્યાંગજનોની સેવા માટે યોજાયેલા આ યજ્ઞકાર્યની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ – લંડન દ્વારા લેવામાં આવી હતી. આ ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં એક જ સ્થળેથી ૭૦૦ જેટલા દિવ્યાંગોને લાભ આપવા બદલ વર્લ્ડ ટેલેન્ટ ઓફ એકસલન્સ – યુ.એસ.એ. દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઈ, આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, અગ્રણીશ્રી ભાર્ગવભાઈ, જિલ્લા કલેકટરશ્રી કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી અર્પીતા પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી. એસ. પટેલ, દાતાશ્રીઓ, વડતાલ સંસ્થા – મંદિરના સંતો – મહંતો, સત્સંગીઓ તેમજ લાભાર્થી દિવ્યાંગજનો ઉપસ્થિત રહયા હતા.