વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાબડાલના આરોગ્ય વનમાં વૃક્ષારોપણ કરાયું
દાહોદ: કલેક્ટર દ્વારા આંબલી અને પોલીસ અધિક્ષકએ સીસમનો રોપો વાવ્યો દાહોદ નજીક રાબડાલ ખાતે વન વિભાગના સહયોગથી જિલ્લા વિકસાવવામાં આવેલા રમણીય આરોગ્ય વનમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા અને રોપ વાવ્યા હતા. જીવસૃષ્ટિના અભિન્ન અંગ સમાન પર્યાવરણના સરક્ષણ અને સંવર્ધનના હેતું સમગ્ર વિશ્વમાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિન મનાવવામાં આવે છે. પ્રાકૃતિક સંપદાની અણમોલ દેણ ધરાવતા દાહોદ જિલ્લામાં પણ લોકો આ બાબત પરત્વે વધુ જાગૃત થાય એ માટે વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. જો કે, આ વખતે કોવિડ-૧૯ની સ્થિતિને ધ્યાને લઇ ઔપચારિક કાર્યક્રમ રાબડાલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. આરોગ્ય વનમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર વિજય ખરાડીએ આંબલીનો તથા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે સીસમનો રોપો વાવ્યો હતો. નાયબ વન સંરક્ષક આર. એમ. પરમારે પણ રોપો વાવ્યો હતો. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે, નાયબ કલેક્ટર ગણાસવા તથા ગામેતી, એસીએફ ઋષિરાજ પુવાર, જિલ્લા શિક્ષણાધિકારી ડી. બી. પટેલ સહિતના અધિકારીઓ સહભાગી બન્યા હતા.