વિશ્વ મહિલા દિનના દિવસે જ મહિલાએ તાજા જન્મેલા બાળકને ત્યજયું

અંકલેશ્વરના નવાગામ કરારવેલ નજીકથી નવજાત બાળક મળી આવ્યું-એક ઝુપડા પાસે તાજુ જન્મેલ શિશુ પડેલુ હતુ અને તેના ઉપર કિડિઓ મકોડા ફરતા જાેવા મળ્યા હતા.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ૮ માર્ચના રોજ સમગ્ર ગુજરાત રાજ્ય વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં વ્યસ્ત બન્યો છે. ત્યારે એક માતૃત્વ ભુલેલ મહિલાનો શર્મશાર કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.
જેમાં ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ નજીક આવેલ એક પેટ્રોલ પંપ પાસેની એક સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ પાસે ઝુપડા નજીક ત્યજી દીધેલુ તાજુ જન્મેલુ એક શિશુ મળી આવ્યું હતું.
આ બનાવ અંગે ૧૦૮ ઝાડેશ્વરને સવારે ૯ વાગ્યે કોલ મળતા પાયલોટ પંકજ રાણા અને ઈએમટી નીલેશ ટાંક તાત્કાલિક લોકેશન પર દોડી ગયા હતા. ઘટના સ્થળે તેમને પેટ્રોલપંપ નજીકની સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ બહાર આવેલ એક ઝુપડા પાસે તાજુ જન્મેલ શિશુ પડેલુ હતુ અને તેના ઉપર કિડિઓ મકોડા ફરતા જાેવા મળ્યા હતા.
જેથી ૧૦૮ની ટીમે નવજાત શિશુની સલામતી પુર્વક સાફ સફાઈ કરી તેને ઓક્સીજન પુરવઠો આપી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું હતુ.હાજર તબીબોના મતે નવજાત શિશુની તબીયત ખુબજ સ્વસ્થ હોવાનુ જણાવ્યું હતુ.ઘટના અંગે પોલીસે વિશ્વ મહિલા દિતે જ માતૃત્વ ભુલનાર માતાની શોધ આરંભી છે.