“વિશ્વ વયસ્ક દિન” ની ઉજવણી નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
નડિયાદ:જિલ્લા ન્યાયાલય અને તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડીઆદ દ્વારા પીજ ગામે આવેલ “જલારામ ઘરડા ઘર” ખાતે વિશ્વ વયસ્ક દિનની ઉજવણી નિમિત્તે વયસ્ક-વડીલોને મળવાપાત્ર મફત કાનૂની સલાહ-સહાય વિશેની જાણકારી આપવાના હેતુથી કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના સેક્રેટરી શ્રી. આર એલ. ત્રિવેદીએ જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાએ ઓક્ટોબર મહિનાની પહેલી તારીખને “વિશ્વ વયસ્ક દિન” તરીકે નિર્ધારિત કરી છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં વયસ્ક-વડીલો માટે જરૂરી સામાજિક, આર્થિક, પારિવારિક, તબીબી વિગેરે તમામ પ્રકારે સુરક્ષિત કરવાના હેતુસર સઘન કામગીરી કરવામાં આવે છે.
વયસ્ક-વડીલો આપણા સામાજિક માળખામાં પાયારૂપ છે. તેમણે જણાવ્યું કે સામાન્ય વર્ગનાં રૂ. એક લાખથી ઓછી આવક ધરાવતા વ્યક્તિઓ, બાળકો, મહિલાઓ, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના લોકો, સિનીયર સીટીઝન, ભૂકંપ રેલ કે દુકાળ-અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિનો ભોગ બનેલા લોકો અને જેલમાં રહેલા કેદીઓ તથા તમામ દિવ્યાંગ બાળકો-વ્યક્તિઓને આ સુવિધા હેઠળ મફત અને સક્ષમ કાનૂની સલાહ-સહાય તથા જરૂરી કિસ્સામાં નિશુલ્ક ધોરણે વકીલ પણ ફાળવી આપવામાં આવે છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડીઆદ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડીઆદ કોઈપણ પ્રકરની કાયદાકીય જરૂરીયાત તથા મદદ માટે હરહંમેશ વયસ્ક-વડીલોની સાથે છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ કાર્યક્રમમાં જલારામ ઘરડા ઘર પીજના વયસ્ક-વડીલો, કાર્યકારી ટ્રસ્ટીગણ, સેવકગણ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નડીઆદ થતાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડીઆદના કર્મચારીઓ હાજર રહ્યા હતા