વિસનગર: દીકરી માટે છોકરો જોવા ગયેલા પરિવારનો અકસ્માત : માતા સહિત બેના ઘટના સ્થળે જ મોત
વિસનગર, મહેસાણા જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારને નંદાસણ પાસે અકસ્માત નડતા કારના ડ્રાઈવર સહિત બે લોકોના મોત નિપજ્યા છે. બુડાસણનો પરિવાર દીકરી માટે સગપણ જોઈને પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી એક કારનું ટાયર ફાટતા તે કાર પરિવારની કાર સાથે અથડાઈ હતી. જેમાં દીકરીની માતા અને કારના ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. અકસ્માત સમયે કારમાં પાંચ લોકો સવાર હતા.
મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં રહેતા ફતેહખાન બ્લોચ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલ ભાલક ગામમાં સગપણ જોવા ગયા હતા. જેમાં ફતેહખાનના એક સંબંધી બ્લોચ સાહેલ ખાન પોતાની ગાડી લઈને આવ્યા હતા. ગાડીમાં ફતેહખાન બ્લોચ, તેમની બે પત્ની સાબેરાબાનુ અને મેમુનાબાનુ તેમજ ફરીદાબાનુ કુલ પાંચ લોકો ગાડીમાં સવાર થઈ સગપણ જોવા ગયા હતા.
બુડાસણ ગામમાં રહેતો બ્લોચ પરિવાર પોતાની દીકરી ફરીદાબાનુંનું સગપણ જોવા વિસનગર પાસે આવેલ ભાલક મુકામે ગયા હતા. જ્યાં સગપણ જોઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી અન્ય એક ગાડી આવી રહી હતી જે ગાડી નું ટાયર ફાટી જતા ગાડી ફંગોળતા બ્લોચ પરિવાર ની ગાડી પર આવી પડી હતી જેમાં ગંભીર અકસ્માત સર્જાતા સગપણ જોવા ગયેલ દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઇવર બ્લોચ સાહેલનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
બાકી ના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો ને તાત્કાલિક સારવાર અર્થે કડી માં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફતેહખાન બલોચ એ GJ 1 w 6957 નંબર ની ગાડી ના ચાલક સામે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.