વીજળી પડવાથી બિહારમાં ૧૭ અને યુપીમાં ૮ના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-westernlogo1.jpg)
નવીદિલ્હી, બિહાર અને ઉત્તરપ્રદેશના અલગ અલગ વિસ્તારમાં વરસાદ અને વીજળી પડવાના કારણે ૨૫ લોકોના મોત થયા છે. આ મોત સોમવાર સાંજથી બુધવાર સવારે વચ્ચે થયા છે. ખરાબ હવામાનના કારણે બિહારમાં ૧૭ અને ઉત્તર પ્રદેશમાં ૮ લોકોના મોક થયા છે. બિહારમાં મંગળવાર સાંજથી ભારે વરસાદ ચાલું છે. પટના સ્ટેશન પર પાણી ભરાતા ઘણી ટ્રેનની અવર જવર પર માઠી અસર પડી છે.
બિહારના કૈમૂર જિલ્લામાં વીજ ત્રાટકવાથી સૌથી વધુ નુકસાન થયું છે. અહીં ૪ લોકોના મોત થયા છે જ્યારે પાંચ દાઝી ગયા છે. આ પ્રકારે મોતિહારીમાં ૩, અરવલમાં ૨, જહાનાબાદમાં ૨, પટનામાં ૨ અને મુઝફ્ફરપુરમાં એકનું મોત થયું છે. સાથે જ અન્ય સ્થળે પણ ત્રણ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
ઉત્તરપ્રદેશમાં ૮ લોકોના મોત, ૪-૪ લાખની આર્થિક સહાય- ઉત્તરપ્રદેશમાં સોમવાર રાતે ઘણા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. રાજ્યના ત્રણ જિલ્લામાં વીજળી ત્રાટકવાથી ૮ લોકોના મોત થયા છે. રાજ્યના ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વીજળી પડવાથી આઝમગઢમાં ૪, આંબેડકરનગર અને લલિતપુરમાં બે-બે લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી તમામ મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. ભારે વરસાદના કારણે મંગળવાર મોડી રાતે પટના પોલીસ લાઈનમાં પાંચ ઝાડ ધરાશાયી થયા હતા. એક ઝાડ પોલીસકર્મીઓના ટેન્ટ પર પડ્યું હતું. જેના સંકજામાં આવીને ૯ જવાન ઘાયલ થયા છે. સાથે જ એક ઝાડ શસ્ત્રાગાર પાસે પડ્યું છે, જેનાથી શસ્ત્રાગારને ઘણું નુકસાન પહોંચ્યું છે.