વીજ કંપની દ્વારા રાજપારડીના તમામ ફિડરો બંધ કરી સમારકામ હાથ ધરવામાં આવ્યુ
રાજપારડી વીજ કચેરી દ્રારા પેનલો ડિ.પીઓનુ સમારકામ કરાયુ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ વીજ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ૧૨ જેટલા ફિડરો બંધ કરીને પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી.આજરોજ શનિવારના દિવસે વીજકાપ લઈ જેટકો અને વીજ કંપનીની રાજપારડી કચેરીના કર્મચારીઓ દ્રારા પેનલો બદલવા ઉપરાંત લાઈનો તેમજ ડિ.પી.ઓનુ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતુ.આ અંગે મળતી વિગતો મુજબ જેટકોના ૬૬ કે.વી.ના સમારકામના પગલે શનિવાર સવારથી સાંજ સુધી વીજકાપ રાખવામાં આવ્યો હતો. અને જુની તેમજ ટેકનિકલ ક્ષતિ ધરાવતી પેનલો બદલવાની કામગીરી કરવા માટે પચાસ જેટલા કર્મચારીઓએ સવારથી કામગીરી આરંભી હતી.
આજે વીજકાપ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપનીની રાજપારડી કચેરી દ્રારા પણ ૩૦ જેટલા કર્મચારીઓની બનેલ ટીમો દ્વારા રાજપારડી ટાઉન વિસ્તારમાં આવેલ ડિ.પી.,વીજ લાઈનો તેમજ વીજપોલને લગતુ જરુરી સમારકામ કરવામાં આવ્યું હતુ. અછાલીયા,સંજાલી,રજલવાડા,રાજપારડી ઉપરાંત અન્ય ફિડરોમાં વીજ પ્રવાહ બંધ રહેતા લોકો ગરમીમાં સેકાયા હતા.પરંતુ પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત સમારકામ જરુરી હોવાથી વીજ કર્મચારીઓ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી.સમારકામ સંપન્ન થયે વીજ પુરવઠો ચાલુ કરાશે એમ જણાવાયુ હતુ.