વીજ પોલમાંથી ઈલેક્ટ્રિક વાહન પણ ચાર્જ થઈ શકશે-CG રોડને વધુ સ્માર્ટ રોડ બનાવાશે
AMCએ ચાઈનાની કંપની સાથે કરાર કરી આશરે બે કરોડના ખર્ચે ૧૯ જેટલા સ્માર્ટ સ્ટ્રીટ પોલ મંગાવ્યા
અમદાવાદ, અમદાવાદના સીજી રોડ પર હવે ટૂંક સમયમાં લાઈટના થાંભલામાંથી ઈલેક્ટ્રિક વાહન અને મોબાઈલ ફોન પણ ચાર્જ થઈ શકશે. એટલું જ નહીં વાઈફાઈ પણ યુઝ કરી શકાશે. આ અંગે મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ સીજી રોડ પર વાઈફાઈ લગાવવાની યોજના વર્ષોથી જાહેર થયેલી હતી,
પરંતુ સુરક્ષા સહિત કેટલાક કારણોસર તેનો અમલ થઈ શક્યો નહોતો. પરંતુ તાજેતરમાં નવીનીકરણ પ્રોજેક્ટમાં જ સીજી રોડને વધુ સ્માર્ટ રોડ બનાવવાની જાેગવાઈ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલિયમ પેદાશોની આયાત ઘટાડી આર્ત્મનિભર બનવા માટે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપતી નીતિ જાહેર કરી છે.
તેના અનુસંધાને એએમસીએ ઈલેક્ટ્રિક વાહન ચાર્જ થઈ શકે તેવા સ્માર્ટૉ સ્ટ્રીટ લાઈટ પોલ ઉપર પસંદગી ઉતારી હતી અને ચાઈનાની કંપની સાથે કરાર કરી આશરે બે કરોડના ખર્ચે ૧૯ જેટલા સ્માર્ટ સ્ટ્રીટ પોલ મગાવ્યા હતા, જે સીજી રોડ પર ફીટ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટા પોલની કિંમત પ્રતિપોલ ૧૨,૬૦,૨૭૦ રૂપિયા જ્યારે નાના પોલની કિંમત ૮,૦૯,૪૭૦ રૂપિયા ચૂકવવામાં આવી છે. એએમસીના સૂત્રો મુજબ સાત મોટા સ્ટ્રીટ લાઈટ પોલ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન સુધીના રોડ ઉપર આવતા જંક્શન ખાતે સેન્ટ્રલ વર્જમાં લગાડાયા છે.
જ્યારે વાહન ચાર્જિંગની સુવિધા સાથેના ૧૨ નાના પોટ ફૂટપાથ ઉપર લગાડવામાં આવ્યા છે. આ સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ પોલમાં સાત પોલ ૧૦ મીટર ઊંચા અને ૧૨ પોલીસ ચાર મીટરની ઊંચાઈ ધરાવે છે.
સ્ટ્રીટ લાઈટ પોલની ખાસિયતોઃ પોલની ઊંચાઈ ૧૦ મીટર, વાઈફાઈ રાઉટર, ૨૦ વોટની સ્પોટ લાઈટ CCTV કેમેરા (સીસીટીવી કેમેરા), ૩૦ વોટ પીએ સ્પીકર, વેધર સ્ટેશન, બિલ બોર્ડ ડિસ્પ્લે, ચાર મીટરની હાઈટ ધરાવતા પોલ, ૩૦ વોટ એલઈડી લાઈટ, યુએસબી ચાર્જિંગ સોકેટ, ઈલેક્ટ્રિક કાર-સ્કૂટર ચાર્જિંગ સોકેટ, ઈમરજન્સી પુશ બટન.